અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામમાં એક યુવકની છરીના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ મેહુલ સોલંકી છે. જેની 30 વર્ષની વયમાં હત્યા થઈ ગઈ છે. કોઈ અજાણ્યા હુમલાખોરોએ તેના પર હુમલો કરતાં છરીના 10થી વધુ ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. હત્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.


નવા માલકનેશ ગામમાં હત્યાનો બનાવ

પોલીસને જાણ થતાં જ ખાંભા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ સાથે જ પોલીસે આ હત્યા પાછળનું કારણ જાણવા માટે કવાયત હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવત કે જૂની તકરારને કારણે આ હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ખાંભા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોડી રાત્રે ખાંભા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને તેઓ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને પકડવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.


  • Follow us on: