અમરેલીના ચકચારી બિટકોઈન કૌભાંડમાં 14 આરોપીઓને સેશન્સ કોર્ટે જન્મટીપની સજા ફટકારતા ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયાને જન્મટીપની સજા થઇ છે તો અમરેલીના તત્કાલિન SP જગદીશ પટેલે દોષિત ઠેરવાયા છે. અમરેલીના PI અનંત પટેલને પણ જન્મટીપની સજા થઇ છે.


વર્ષ 2018માં બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરાયું

આ ચકચારી બિટકોઇન કેસ 2018માં નોંધાયો હતો અને સમગ્ર કેસની CID ક્રાઈમ દ્વારા કરાઇ તપાસ કરાઇ હતી. આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 14ને જન્મટીપની સજા અમદાવાદ સેશન્સ કોર્ટે આજે ચૂકાદો આપ્યો હતો. પુરાવાના અભાવે જતીન પટેલ નિર્દોષ જાહેર થયા હતા. ઉલ્લેખનિય છે કે વર્ષ 2018માં બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરાયું હતું અને આરોપીઓએ 200 બિટકોઇન પોલીસે પડાવ્યા હતા. આરોપીઓએ છોડવા માટે 32 કરોડની માગ કરી હતી

સુરતની બીટ કનેક્ટ નામની કંપનીમાં બિલ્ડર શૈલેશ ભટ્ટે પણ રોકાણ કર્યું

2018નો આ બિટકોઇન કેસ ખાસો ચર્ચામાં રહ્યો હતો. ખુદ પોલીસ અધિકારીઓ જ આ કેસમાં આરોપી બન્યા હતા. નોટબંધી કરાયા બાદ દેશમાં અને ગુજરાતમાં લોકોએ બિટોઇન કરન્સીમાં રોકાણ કરવાનું શરુ કર્યું હતું. સુરતની એક બીટ કનેક્ટ નામની કંપનીમાં બિલ્ડર શૈલેશ ભટ્ટે પણ રોકાણ કર્યું હતું. જો કે ત્યારબાદ કંપનીએ તાળા મારી દેતા લોકોના પૈસા સલવાઇ ગયા હતા. શૈલેશ ભટ્ટે પોતાના માણસોને સાથે રાખીને બિટ કનેક્ટ નામની આ કંપનીના કર્મચારી તથા એક હોદ્દેદારનું અપહરણ કરીને તેમની પાસેથી બિટકોઇન તથા લાઇટ કોઇન સહિત કરોડ઼ો રુપિયા પડાવી લીધા હતા. જો કે આ મામલે પછી કેટલાક પોલીસ અધિકારીઓએ શૈલેશ ભટ્ટનું જ અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી 200 કરોડના બિટકોઇન પડાવી લીધા હતા અને છુટવું હોય તો 32 કરોડની ખંડણીની પણ માગ કરી હતી.

અમરેલી જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓની ભૂંડી ભૂમિકા

આ કેસમાં અમરેલી જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓની ભૂંડી ભૂમિકા બહાર આવી હતી જેથી તે વખતના એસપી જગદીશ પટેલ, તથા એલસીબીના તે વખતના પીઆઇ અનંત પટેલ, સીબીઆઇ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર તથા એક વકીલ કેતન પટેલ તથા કિરીટ પાલડીયા ઉપરાંત કેટલાક પોલીસ કર્મચારીઓ અને અમરેલીના ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સામે ગુનો નોંધાયો હતો અને તેમની ધરપકડ થઇ હતી.

શૈલેશ ભટ્ટે પણ અપહરણ કરીને બિટકોઇન અને કરોડો પડાવ્યા હતા

આ ચકચારી કેસમાં બિલ્ડર શૈલેશ ભટ્ટ પર આરોપ લગાવાયો હતો કે તેણે 2257 બિટકોઇન લાઇટ કોઇન તથા 14.5 કરોડ સંતાડી દીધા હતા. શૈલેશ ભટ્ટે બિટ કનેક્ટ કંપનીના કર્મચારી હોદ્દેદારનું અપહરણ કર્યું હતું કારણ કે તેના 1.14 કરોડ આ કંપનીમાં ડૂબી ગયા હતા તથા 2021 બિટકોઇન, 11000 લાઇટ કોઇન અને 14.5 કરોડ ખંડણીમાં ઉઘરાવ્યા હતા.

શૈલેશ ભટ્ટે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સામે ફરિયાદ કરી

આ કેસમાં શૈલેશ ભટ્ટે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને કેટલાક પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમનું અપહરણ કરીને તેમની પાસેથી 176 બિટકોઇન પડાવી લેવાયા હતા . તો બીજી તરફ શૈલેશ ભટ્ટે સીબીઆઇના ઇન્સ્પેક્ટર સુનિલ નાયર સામે પણ ફરિયાદ નોંધાવી હતી કે તેણે ઇડી અને ઇન્કમટેક્ષની બીક બતાવીને દસ કરોડની લાંચ માંગી હતી જે છેલ્લા 5 કરોડમાં ફાઇનલ થઇ હતી અને 4.60 કરોડ લાંચના ચુકવ્યા હતા.

ધારી પૂર્વ એમએલએ નલિન કોટડીયાની પણ એન્ટ્રી

આ કેસમાં ધારી પૂર્વ એમએલએ નલિન કોટડીયાની પણ એન્ટ્રી થઇ હતી. કારણ કે શૈલેશે બિટકોઇન ખરીદ્યા તેની જાણ તેમને થઇ હતી અને તેથી શૈલેશ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે તેમણે એસપી જગદીશ પટેલ સાથે સાંઠગાંઠ કરી હતી. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે નલિન કોટડીયાની પણ ધરપકડ કરાઇ હતી.

એસપી જગદીશ પટેલ અને નલિન કોટડીયાએ સાંઠગાંઠ કરી

અમરેલીના તત્કાલિન એસપી જગદીશ પટેલ અને નલિન કોટડીયાએ સાંઠગાંઠ કરી હતી અને જગદીશ પટેલે શૈલેશને ત્યાં દરોડા પાડીને નલિન કોટડીયાની સાંઠગાંઠમાં કરોડો પડાવ્યા હતા આ કેસમાં એસપી જગદીશ પટેલની પણ ધરપકડ થઇ હતી


  • Follow us on: