દાગજીપુરામાં યુવકના આપઘાત પ્રકરણમાં પત્નીના પ્રેમી અને તેના મિત્રની ભાલેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. ઉમરેઠ તાલુકાના દાગજીપુરામાં પ્રેમી અને તેના મિત્રએ પ્રેમિકાના પતિને પ્રેમસંબંધમાં આડખીલી બનીશ તો જાનથી મારી નાંખીશું તેવી જાહેરમાં ધમકી આપ્યા બાદ મનમાં લાગી આવતા યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવમા ભાલેજ પોલીસે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


આત્મહત્યા નહીં, હત્યા થઈ હોવાનો પરીવારનો આક્ષેપ

ઉમરેઠના દાગજીપુરા વિસ્તારમાં ગત અઠવાડિયા દરમિયાન એક યુવક ટ્રેન નીચે કપાઈ ગયો હતો. સમગ્ર બનાવમાં પરિવારજનો એ હત્યા થઇ હોવાના આક્ષેપ કર્યા હતા. પરિવારજનોના આક્ષેપને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મરવા માટે મજબૂર કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં.બનાવમાં અઠવાડિયાથી નાસતા-ફરતા બંને શખસોને ભાલેજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

યુવકની પત્નીના અન્ય સાથે આડાસંબંધ

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાગજીપુરા સમડીવાળા ફળીયામાં રહેતા 35 વર્ષીય ભરતભાઈ રમણભાઈ ઠાકોરની પત્ની સેજલના વિરલ પ્રભાત ઠાકોર સાથે આડા સંબંધ હતાં.આ અંગે ભરત અને તેના ભાઈ રાજેશ દ્વારા અવાર-નવાર વિરલને સમજાવ્યો હતો. અને સંબંધ ન રાખવા કહ્યું હતું. પરંતુ વિરલ ઠાકોર તુમાખીભર્યું વર્તન કરતો હતો. ગત અઠવાડિયે અચાનક તે ભરતભાઈના ઘરે આવી પહોંચ્યો હતો અને સંબંધ તો રહેશે તેમ કહી ઝઘડો કર્યો હતો. વધુમાં વિરલે ફોન કરીને તેના મિત્ર ભાવેશ આશા ઠાકોરને પણ બોલાવી લીધો હતો.

યુવકને જાનથી મારી નાખવાની અપાઈ ધમકી

જ્યાં આ બંનેએ ભરતને પ્રેમ સંબંધ તો રહેશે, તું અમારા પ્રેમસંબંધમાં આડખીલી બનીશ તો જાનથી મારી નાંખીશ તેમ કહી ગમે તેમ અપશબ્દ કહ્યા હતા. જેને પગલે ભરતને મનમાં લાગી આવ્યું હતું. સમાજમાં આબરૂ જવાની ચિંતામાં અચાનક કોઈને કંઈ કહ્યા વિના તે ઘરેથી નીકળી ગયો હતો અને આણંદ-ગોધરા રેલવે લાઈન પર ગુડ્ઝ ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો.

પોલીસે બે લોકોની કરી ધરપકડ

પોલીસે પ્રેમી વિરલ અને તેના મિત્ર ભાવેશ વિરૂધ્ધ દુષ્પ્રેરણા ગુનો નોંધ્યો હતો. જોકે, ગુનો નોંધાયો એ સમયથી જ તેઓ ફરાર થઈ ગયા હતા. દરમિયાન, પોલીસે તેમને સોમવારે ઝડપી પાડડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેઓ અત્યાર સુધી ક્યાં રોકાયા હતા? અને અન્ય કોની કોની સંડોવણી છે કે કેમ? તેમજ કેટલા વખતથી તેમને સંબંધ હતા? તે સહિતની બાબતોને લઇ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

  • Follow us on: