ગુજરાતમા દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ભાવનગરમાં નિવૃત્ત ક્લાસ-2 અધિકારી સામે બાળકી સાથે દુષ્કર્મના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાડોશીના વિશ્વાસનો દુરૂપયોગ કરી બાળકીને સ્કૂલેથી લાવવા મોકલવાની આડમાં દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકીના પરિવારજનોએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તકનો લાભ લીધો હોવાનો આક્ષેપ કરાયો
ભાવનગરમાં નિવૃત્ત ક્લાસ-2ના અધિકારીના ઘરે આવતી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરમાં ભક્તિનગર પાસે રહેતા નિવૃત્ત અધિકારી હસમુખ પંડ્યા સામે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો નોંધાયો છે. પીડિત બાળકીના વાલી નોકરી કરતા હોવાથી તેમની દીકરીને સ્કૂલે લેવા મુકવા જવાનો સમય નહીં હોવાથી આરોપીએ તેની તકનો લાભ લીધો હોવાનો આક્ષેપ કરાયો છે.













