ભાવનગરમાં બે મહિલા કોન્સ્ટેબલે એક આરોપીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આ ઉપરાંત તેમના ઘરમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જેથી બંને મહિલા કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ એક મહિલા કર્મી ઝડપાઈ હતી અને ફરાર થયેલી કર્મચારી નયના બારૈયાને પણ ઝડપી પાડવામાં આવી હતી. ત્યાર બાદ તેને જેલ હવાલે કરાઈ હતી. હવે તેની સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.
મહિલા પોલીસકર્મી નયના બારૈયા સામે વધુ એક ગુન્હો
ભાવનગર શહેરની સસ્પેન્ડેડ મહિલા પોલીસકર્મી નયના બારૈયા સામે વધુ એક ગુન્હો નોંધાયો છે. ભાવનગર જિલ્લા જેલમાં કરવામાં આવેલી સરપ્રાઇઝ ઝડતી દરમ્યાન મહિલાના બેરક માંથી નયના બારૈયા પાસે પ્રતિબંધિત સિમકાર્ડ મળી આવ્યું છે. જેલમાં પ્રતિબંધિત વસ્તુ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. નયના બારૈયા અગાઉ એટ્રોસિટી એક્ટના આરોપીને આશરો આપવાના કેસમાં જેલવાસ ભોગવી રહી હતી. હવે સિમકાર્ડ મળવાના બનાવને પગલે તેના વિરુદ્ધ વધારાનો ગુનો નોંધાયો છે. જિલ્લા જેલ તંત્ર એ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. તેની સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.













