ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કુંભારવાડા માઢીયા રોડ પર ગેરકાયદેસર દબાણો હટાવવાની મેગા-ડ્રાઇવ હાથ ધરવામાં આવતાં ભારે વિવાદ સર્જાયો છે. ભાવનગર મનપાની દબાણ હટાવ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી માટે પહોંચી હતી અને રોડ પરના દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આ કાર્યવાહીનો સ્થાનિક દુકાનદારો અને વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.


નોટિસ આપ્યા વગર એકાએક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી

વેપારીઓનો મુખ્ય આક્ષેપ છે કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી કે નોટિસ આપ્યા વગર એકાએક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેના કારણે તેમને ભારે નુકસાન થયું છે. દુકાનધારકોનું કહેવું છે કે, મનપાએ તેમને પોતાની દુકાનમાંથી સામાન લેવાનો કે ખસેડવાનો પૂરતો સમય પણ આપ્યો ન હતો, અને તાત્કાલિક દબાણો તોડી પાડ્યા હતા.

 દુકાનદારોએ કુંભારવાડા માઢીયા રોડ પર જ કર્યા ધરણાં 

આ અચાનક અને આક્રમક કાર્યવાહીના વિરોધમાં રોષે ભરાયેલા દુકાનદારોએ કુંભારવાડા માઢીયા રોડ પર જ ધરણાં પર બેસી જઈને મનપાની કામગીરી સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વેપારીઓએ ' ભાવનગર મનપા હાય હાય'ના નારા લગાવી કાર્યવાહીને અયોગ્ય ગણાવી હતી.

દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી

બીજી તરફ, ભાવનગર મનપાના અધિકારીઓનું કહેવું છે કે, આ ગેરકાયદેસર દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને જાહેર માર્ગ પરના અવરોધો દૂર કરવા માટે આ કાર્યવાહી જરૂરી હતી. જોકે, વેપારીઓના વિરોધને પગલે થોડા સમય માટે પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. મનપા દ્વારા માઢીયા રોડને દબાણમુક્ત કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, પરંતુ નોટિસ વગરની કાર્યવાહી સામે વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Valsad : ગુંદલાવ ખેરગામ રોડ પર હાઈલેવલ બ્રિજ ઉપર સ્ટેજીંગ નમી જવાના બનાવમાં ઈજારદારનો ખુલાસો માંગવામાં આવ્યો



  • Follow us on: