ભાવનગર જિલ્લાના પોલીસ વડા (SP) નિતેશ પાંડે એ ફરજમાં બેદરકારી દાખવવા બદલ એક સાથે 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડાએ લાલઆંખ કરીને આ તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. સસ્પેન્ડ કરાયેલા આ 7 કર્મચારીઓ ભાવનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકો અને વિભાગો સાથે જોડાયેલા હતા. આ કડક નિર્ણયને કારણે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને અન્ય કર્મચારીઓમાં પણ પોતાની ફરજ પ્રત્યે ગંભીરતા દાખવવાની તાકીદ થઈ છે.
સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ કયા વિભાગના?
સસ્પેન્ડ કરાયેલા 7 પોલીસકર્મીઓમાં અલગ અલગ પોલીસ મથક અને વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. માહિતી મુજબ, હેડ ક્વાર્ટરના 2 કર્મચારીઓ, નીલમબાગ પોલીસ મથકના 1 કર્મચારી, ખુંટવડા પોલીસ મથકના 1 કર્મચારી, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ના 2 કર્મચારીઓ અને મોટર ટ્રાન્સપોર્ટ (MT) વિભાગના 1 કર્મચારીનો સમાવેશ થાય છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા આ તમામ કર્મચારીઓ સામે તેમની ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ પગલું લેવામાં આવ્યું છે, જે પોલીસિંગમાં અનુશાસન જાળવવાના પ્રયાસરૂપ છે.













