બોટાદના ગઢડા(સ્વામીના) શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં આવેલી તુલસી જ્વેલર્સની દુકાનમાંથી બે મહિલાઓએ સફળતાપૂર્વક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ ચોરીની ઘટના સામે આવતા વેપારીઓ માટે લાલબત્તી સમાન ચોરીની ઘટના ઉકેલવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આ અંગે જાણવા મળતી વિગત અનુસાર બપોરે 11 વાગ્યાની આસપાસ બે અજાણી મહિલાઓ દુકાનમાં આવી હતી. તેમણે જૂની બુટ્ટી બદલાવી નવી બુટ્ટી ખરીદવાનું બહાનું બનાવ્યું હતું.
દુકાનદારે સ્ટોક ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો
દુકાનદાર જ્યારે મહિલાઓને નવી બુટ્ટીનો સેટ બતાવી રહ્યા હતા, ત્યારે મહિલાઓએ તેમની નજર ચૂકવીને 5 જોડી સોનાની બુટ્ટી સફળતાપૂર્વક સેરવીને ચોરી લીધી હતી. આ બાબતે દુકાનદારને શંકા જતા સ્ટોક તપાસ કરતા પાંચ જોડી બુટ્ટી ઓછી હોવાનું જણાયું હતું. આશરે 30 ગ્રામ અને રૂપિયા 3 લાખ જેટલી રકમની સોનાની ચોરીના પગલે તુલસી જ્વેલર્સના માલિક ચેતનભાઈ ચાપાનેરીએ તરત જ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે પહોંચી તપાસ શરૂ કરી છે. જોકે આ સમયે વીજકાપ હોવાથી વિસ્તારમાં સીસીટીવી બંધ હોવાથી ફૂટેજ પ્રાપ્ત થઈ શકયા નથી.
2 અજાણી મહિલાએ 3 લાખના સોનાની કરી ચોરી!
પરંતુ સોની બજાર વગેરે વિસ્તારોમાં તપાસ કરતા જુદી જુદી સોનીની બે દુકાનોમાં પણ બંને મહિલાઓ ચોરી કરવાના ઈરાદે ગયા હોવાનું અને ચોરી માટે નિષ્ફળ થયેલા હોવાનું બહાર આવ્યું હતુ. પરંતુ ઉપરોક્ત દુકાનોમાંથી મળેલા સી.સી.ટી.વી. ફૂટેજમાં દેખાતી બે મહિલાઓએ જ તુલસી જ્વેલર્સમાં આવીને ચોરી કરી હોવાની ઓળખ થતા શંકાસ્પદ મહિલાઓના ફૂટેજ જાહેર થયા હતા. ઉલ્લેખનીય છે કે સોનીની દુકાનો ઉપર ચોરી કરવા ટેવાયેલી બંને મહિલાઓએ ભાવનગર-સિહોર સહિત અન્ય શહેરોમાં પણ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનાઓ બહાર આવી રહી છે. આ ફૂટેજના આધારે ચોરી કરતી મહિલાઓની કોઈને ઓળખ માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.