છોટાઉદેપુર જિલ્લાના રતનપુર ગામે ખાતરની કાળા બજારી સામે સરપંચ સહિત ગ્રામજનો સામે પડ્યા છે. જિલ્લા કક્ષા સુધી રજુઆતો કરતા તંત્ર દોડતું થયું છે. ખાતરની થેલીના 280 રૂપિયા લેવા ઉપરાંત ખાતર હોવા છતાં પણ દુકાનદાર ખેડૂતોને ખાતર વેચતો નહોતો. જેને લઈને ખેડૂતોને પણ ભારે હાલાકી પડી રહી છે.


રતનપુર ગામના ગ્રામજનોમાં વ્યાપક રોષ ફેલાયો

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રતનપુર ગામે આવેલા એગ્રી બિઝનેસ સેન્ટરના સંચાલક દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર નિયત ભાવના બદલે 280 રૂપિયાના ભાવમાં વેચતો હતો અને ગ્રાહકોને બિલ પણ આપતો નહોતો. બિલ વગર જ બારોબાર ખાતરનું વેચાણ આ સંચાલક કરતો હતો. આ સાથે જ ખાતર હોવા છતાં પણ અમારે ત્યાંથી દવા બિયારણ તમે કેમ નથી લેતા એમ કહીને ખાતર પણ દુકાનદારને આપતો નહોતો. જેને લઈને રતનપુર ગામના ગ્રામજનોમાં વ્યાપક રોષ ફેલાયો હતો.

અધિકારીઓ સામે જ એગ્રી બિઝનેસ સેન્ટરના સંચાલક વિરુદ્ધ રજુઆતો કરી

આ બાબતે સ્થાનિક સરપંચ મોતીભાઈ ભગાભાઈ રોહિત દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવતા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં ઉણું ના ઉતરતું તંત્ર પણ દોડતું થયું હતું. ખેતીવાડી વિભાગના કર્મચારીઓ રતનપુર ગામે આવતા સરપંચ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતા. રતનપુરના એગ્રી બિઝનેસ સેન્ટરના સંચાલક વિરુદ્ધ રજુઆતો કરી હતી, ત્યારે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ખેડૂતોના લેખિત નિવેદનો પણ લીધા હતા. રતનપુર ગામેથી ખેતીવાડી કચેરીના અધિકારીઓ એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે તપાસ અર્થે પહોંચ્યા હતા અને રખાયેલા તમામ રેકોર્ડનું નિરીક્ષણ કરીને જરૂરી કાગળો પણ ખેતીવાડી કચેરીના અધિકારીઓએ કબજે લીધા હતા.

  • Follow us on: