ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે લેક્વ્યુ હોટેલમાં ફેબ્રુઆરી 2025ના રોજ લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી ચોરીનો ભેદ આખરે સાપુતારા પોલીસે ઉકેલી નાખ્યો છે, ગત ફેબ્રુઆરી માસમાં ડેડીયાપાડાના કારીયાણાના વેપારીએ પોતાની દીકરીના લગ્નનો પ્રસંગ સાપુતારા હોટેલ લેક્વ્યુમાં આયોજિત કર્યો હતો, દીકરીના લગ્નમાં કરિયાવર આપવા માટે હરીશભાઈ અગ્રવાલે 197.13 ગ્રામ સોના ચાંદીના દાગીના, જેની કિંમત 3,10,260 અને સાથે રોકડ રૂપિયા 1.5 લાખ મળી કુલ 4,65,260 મુકેલી બેગની ચોરી થઈ હતી.


સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા ચોરી કરનાર ઈસમ મળી આવ્યો

હરિશભાઈએ સીસીટીવી ચેક કરતા લગ્ન પ્રસંગમાં આવેલા અજાણ્યો ઈસમ દાગીના અને રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરતા સીસીટીવીમાં દેખાયો હતો, પોલીસે બે ટીમ બનાવીને મહારાષ્ટ્રમાં મોકલી હતી અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા ચોરી કરનાર ઈસમ મળી આવ્યો હતો. જેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં આ ચોર આંતરરાજ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલો રીઢો ચોર હોવાનું બહાર આવ્યું છે, જેણે દિલ્હી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી અનેક ચોરી કરી છે.

19 જુલાઈએ રાજ્યના DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી

તમને જણાવી દઈએ કે 19 જુલાઈએ ગુજરાત રાજ્ય પોલીસની માસિક સમીક્ષા બેઠક DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે મળી હતી. આ ક્રાઈમ કોન્ફરનસમાં રાજ્યના 9 રેન્જ આઈજી, 4 પોલીસ કમિશનર તેમજ રેલવે વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં વિવિધ વિભાગોના જૂન માસ તેમજ જાન્યુઆરીથી જૂન સુધીના 6 માસના કામકાજની સમીક્ષા કરી DGPએ યોગ્ય સૂચન કર્યા હતા. રાજ્ય પોલીસના વિવિધ વિભાગની કામગીરીના સરવૈયાની ચર્ચા સાથે કેન્દ્ર સરકારની બે મહત્વની યોજના જે માર્ગ અકસ્માતને લગતી હોય તેની ચર્ચા કરવામાં આવી હતી, વિવિધ કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરનાર જવાનોને પ્રસસ્તી પત્ર આપવામાં આવ્યા હતા. કોન્ફરન્સ બાદ 'એક પેડ માં કે નામ' અંતર્ગત સાપુતારા ખાતે તમામ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.


  • Follow us on: