ડીસા તાલુકા પોલીસ અને ખેતીવાડી વિભાગે સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જીપમાં ભરીને લઈ જવાતા આ ખાતરને કંસારી ટોલ નાકા પાસેથી ઝડપી લેવામાં આવ્યું છે, જે સાંચોરથી ડીસા તરફ આવી રહ્યું હતું. આ કાર્યવાહીથી ખાતરના કાળાબજાર અને ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ખાતરના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જ ખાતરની ગુણવત્તા અને કાયદેસરતા અંગેની હકીકત સ્પષ્ટ થશે. જો આ ખાતર નકલી અથવા ભેળસેળવાળું સાબિત થશે, તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસને મળેલી બાતમીના આધારે, ડીસા તાલુકા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન, એક જીપ શંકાસ્પદ જણાતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 60 જેટલા યુરિયા ખાતરના કટ્ટા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખાતરની થેલીઓ બદલીને લઈ જવામાં આવી રહી હતી. ખાતરની થેલીઓ પર યુરિયાનું નામ હોવા છતાં, અંદરના ખાતરની ગુણવત્તા શંકાસ્પદ લાગતા ખેતીવાડી વિભાગને જાણ કરવામાં આવી હતી.













