રાજકોટના ધોરાજી તાલુકામાં તોરણીયા અને નાની પરબડી ગામ વચ્ચેની ધાબીમાંથી ગુમ થયેલા એક યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ મયુરભાઈ શામજીભાઈ દેલવાડીયા તરીકે થઈ છે. જે થોડા દિવસો અગાઉ તોરણીયા ગામેથી ગુમ થયો હતો. તેની શોધખોળ પોલીસ અને ગ્રામજનો દ્વારા ચાલી રહી હતી. તે દરમિયાન આજે નાની પરબડી ગામ અને તોરણીયા ગામ વચ્ચે આવેલ ધાબી વિસ્તારમાં પાણીના ભૂંગળા પાસેથી તેનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.


અવારું જગ્યાએથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર

આ બનાવની જાણ થતાં જ ધોરાજી તાલુકા પોલીસના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ દુઃખદ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો, ગ્રામજનો અને પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મૃતક યુવકના કાકાબાપાના ભાઈ સહિતના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે મયુરભાઈનું મૃત્યુ કુદરતી નથી પરંતુ કોઈએ તેની હત્યા કરીને તેમની લાશ અહીં ફેંકી દીધી છે.

હત્યા બાદ લાશ ફેંકી દેવાયાના પરિજનોના આક્ષેપ

પરિજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતાં પોલીસ સમક્ષ ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી છે. હાલમાં ધોરાજી તાલુકા પોલીસના મુખ્ય અધિકારીએ સમગ્ર મામલે યોગ્ય તપાસ હાથ ધરી છે. યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તોરણીયા અને નાની પરબડી ગામમાં શોક અને ચકચારનો માહોલ છે અને પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.


  • Follow us on: