દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ખનીજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર LCBએ દરોડા પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. કિંમતી ખનીજ બોકસાઇટની ગેરકાયદેસર ચોરી અને પરિવહન કરતા બે ડમ્પર ટ્રકને LCBની ટીમે ઝડપી પાડ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કલ્યાણપુર પંથકના મેવાસા ગામ પાસેથી રોયલ્ટી વિના ગેરકાયદેસર બોકસાઇટ ખનીજનું પરિવહન થઈ રહ્યું છે.


LCB એ દરોડા પાડી બોકસાઇટ ચોરી ઝડપી

આ બાતમીના આધારે LCBની ટીમે તે વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને ગેરકાયદેસર ખનીજ ભરેલા બે ડમ્પર ટ્રકને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતા બંને ટ્રકોમાંથી આશરે 58 ટનથી વધુનો કિંમતી બોકસાઇટનો જથ્થો મળી આવ્યો હતો. જેની રોયલ્ટી કે અન્ય કોઈ કાયદેસરના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા. LCBએ તાત્કાલિક ધોરણે આ બોકસાઇટનો જથ્થો અને ગેરકાયદેસર પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલા બંને ડમ્પર ટ્રકને જપ્ત કર્યા હતા.

58 ટન બોકસાઇટ અને 2 ડમ્પર જપ્ત કરાયા

જપ્ત કરવામાં આવેલા બોકસાઇટ અને ડમ્પરોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કલ્યાણપુર પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગેરકાયદેસર બોકસાઇટનું પરિવહન કરતા સંચાલક અને ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દ્વારા ખનીજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


  • Follow us on: