ગાંધીનગરના કુડાસણ પાસેથી 25 લાખની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ ઈનોવા કારના કાચ તોડીને 25 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે આંગડિયા પેઢીનો ડ્રાઈવર પૈસા લઈને નીકળ્યો હતો. આ દરમિયાન સરનામું પુછવાના બહાને ગાડી રોકાવી હતી. ડ્રાઈવરની નજર ચૂકવીને આરોપી પૈસા લઈ ફરાર થઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આંગડિયા પેઢીનો ડ્રાઇવર નાણા લઇને નીકળ્યો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ધોળા દિવસે ઈનોવા કારનો કાચ તોડીને 25 લાખ રૂપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો છે. ત્રણ શખ્સોએ સરનામું પુછવાના બહાને કાર રોકાવી હતી અને ડ્રાઈવરની નજર ચૂકવીને 25 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતાં. જયસિંહ ચાવડાને તેમના શેઠે સેક્ટર ત્રણમાં સ્થિત એક આંગડિયા પેઢીમાં પૈસા લેવા મોકલ્યા હતાં.

ડ્રાઇવરની નજર ચૂકવી આરોપી પૈસા લઇ ફરાર

જયસિંહ પૈસા લઈને કુડાસણ આવ્યા હતાં. તેઓ પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને તેમના શેઠની રાહ જોતા હતાં. આ દરમિયાન મોઢે રૂમાલ બાંધીને બાઈક પર આવેલા શખ્સોએ કોબાનું સરનામું પુછ્યું હતું. ડ્રાઈવર જયસિંહ ફોન પર વાતો કરતા હોવાથી તેમને રસ્તો બતાવવા ગયા અને અચાનક ગાડીનું સાયરન વાગ્યું હતું. જયસિંહ જેવા ગાડી પાસે ગયા ત્યા બે શખ્સો રૂપિયા ભરેલી બેગ લઈને ભાગ્યા હતાં. ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: