સાબરકાંઠા જિલ્લામાં એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. છેલ્લા એક મહિનાથી ગુમ થયેલા હિંમતનગર તાલુકાના ગામડી ગામના એક યુવકનો મૃતદેહ ગામની સીમમાં એક અવાવરુ જગ્યાએથી મળી આવ્યો છે. લાંબા સમય બાદ મૃતદેહ મળતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવક ગત 22 ઑક્ટોબરના રોજ પોતાના ઘરેથી ગુમ થયો હતો. આ અંગે પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
હિંમતનગરના ગામડી ગામના યુવકનો મૃતદેહ મળ્યો
યુવક ગુમ થયાના લગભગ એક મહિના બાદ તેનો મૃતદેહ ગામડી ગામની સીમમાંથી એક અવાવરુ જગ્યાએથી ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. અવાવરુ જગ્યાએથી મૃતદેહ મળવાની જાણ થતાં જ ગાંભોઇ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહની હાલત અને તે જે જગ્યાએથી મળ્યો છે તે જોતાં પોલીસે આ મામલે શંકાસ્પદ મૃત્યુ તરીકેની તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પી.એમ. અર્થે ગાંભોઇ હોસ્પિટલમાં ખસેડ્યો છે.













