જામનગર જિલ્લામાં વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી છે.ધ્રોલ સ્થિત જી.એમ.પટેલ સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ લઈ પોતાની જીવાદોરી ટૂંકાવતાં શિક્ષણ જગત અને પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આ બનાવને પગલે ધ્રોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે વિદ્યાર્થીનીના વાલીઓએ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠાવી છે.
પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
ખંભાળિયા વિસ્તારની રહેવાસી અને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હિરલ હાથિયા નામની 17 વર્ષીય વિદ્યાર્થિની ધ્રોલની જી.એમ.પટેલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતી હતી.શુક્રવારે જ હિરલને તેના વાલીઓ હોસ્ટેલમાં મૂકી ગયા હતા.પરંતુ થોડા જ સમયમાં આ દુઃખદ ઘટના બનતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.હિરલે હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ.કુબાવતે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને કાયદેસરની કાર્યવાહી માટે જામનગર ખસેડી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.













