જૂનાગઢ એસઓજીએ ગત રાતે બાતમીના આધારે વોચ ગોઠવીને માંગરોળમાં ગાય ચોગાન ચોકમાંથી બે શખ્સોને 5.22 લાખની કિંમતના 52.27 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લઈને કુલ 6.34 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી કરી છે.


પોલીસે રેડ કરીને બંનેને ઝડપી લીધા

જૂનાગઢ એસઓજી પીએસઆઈ એસ.એ.સોલંકી સહિતના સ્ટાફને માંગરોળમાં ડ્રગ્સની હેરાફેરી થવાની હોવાની હકીકત મળતા ગતરાતે એસઓજી ટીમ દ્વારા માંગરોળમાં વોચ ગોઠવી હતી અને તે દરમિયાન આશરે રાતના સમયે અહીંના ગાય ચોગાન ચોકમાં ગોપાલ લાલજી હવેલી સામે રહેતી આશિષ રમેશભાઈ જાદવ ઉ.31 નામનો શખ્સ બાઈક લઈને આવ્યો, ત્યારે સામેથી નગીનાવાડીમાં રહેતો ઈરફાન ઉર્ફે ગોપી ઈસ્માઈલ કાલવાત નામનો શખ્સ પણ બાઈક પર આવ્યો અને બંને કંઈક વસ્તુની આપ-લે કરવાની પેરવી કરી રહ્યા હતા. ત્યારે પોલીસે રેડ કરીને બંનેને ઝડપી લીધા હતા.

પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કર્યો

આ બંને ઈસમની તપાસ કરતા તેમની પાસેથી કુલ 52.27 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જેની કિંમત 5,22,700નો હોવાનું સામે આવ્યું છે, તે જથ્થો કબજે કરીને 21,110 રોકડા, તેમજ 3 મોબાઈલ, એક વજનકાંટો મળીને કુલ રૂપિયા 6,34,010નો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે બંનેની ધરપકડ કરીને માંગરોળ પોલીસમાં બંને સામે એનડીપીએસ અન્વયે ગુન્હો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરુ કરી છે.

  • Follow us on: