જૂનાગઢ ઘેડ પંથકમાં અતિ ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. ઘેડ પંથકના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે જેથી ફસાયેલા લોકોની બચાવ કામગિરી પણ ચાલી રહી છે. ભારે વરસાદના કારણે જળબંબાકાર થતાં ઘણા રસ્તાઓ બંધ થઇ ગયા છે.
કેશોદ તાલુકાનું ઈન્દ્રાણા ગામ પૂરથી પ્રભાવિત થયું
કેશોદ તાલુકાનું ઈન્દ્રાણા ગામ પૂરથી પ્રભાવિત થયું છે. આજે સંદેશ ન્યૂઝ ઈન્દ્રાણા ગામમાં પહોંચ્યું હતું અને ત્યાં પરિસ્થિતી એકદમ વિકટ જણાતી હતી. માણાવદરના આંબલીયા ગામ તરફ જતો રસ્તો બંધ થઇ ગયો છે
ઓઝત નદીના પાણી ઈન્દ્રાણા ગામમાં ફરી વળ્યા
ઉપરાંત ઓઝત નદીના પાણી ઈન્દ્રાણા ગામમાં ફરી વળ્યા છે જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્દ્રાણા ગામમાં ખેતરમાં પાણી ભરાયાં છે અને પાણી ભરાતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે
કેશોદ તાલુકામાં પણ અતિ ભારે વરસાદ ખાબકતાં પૂરની પરિસ્થિતી
બીજી તરફ જૂનાગઢના કેશોદ તાલુકામાં પણ અતિ ભારે વરસાદ ખાબકતાં પૂરની પરિસ્થિતી જોવા મળી રહી છે. બચાવ અને રાહત કાર્ય માટે એનડીઆરએફની 2 ટીમ તૈનાત કરાઇ છે. એનડીઆરએફની ટીમે બાલાગામ ઘેડ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું . મોડી રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને અલગ અલગ 2 જગ્યાએ પાણીના ઘોડાપૂરમાં ફસાયેલા 7 લોકોને બચાવી લેવાયા હતા
જૂનાગઢના વંથલી તાલુકામાં પણ અતિ ભારે વરસાદ
જૂનાગઢના વંથલી તાલુકામાં પણ અતિ ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. પાણીના ધસમસતા પ્રવાહમાં એક પરિવાર ફસાયો હોવાનું જાણવા મળતા એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પરિવારને સુરક્ષીત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યો હતો
રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ હાલ સક્રિય
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં એક સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ હાલ સક્રિય છે અને તેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે માછીમારોને પણ દરિયો ના ખેડવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે.













