જૂનાગઢની આલ્ફા ઈન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના અત્યંત ગંભીર મામલામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાના નવા વીડિયો વાયરલ થયા છે, જેમાં વિદ્યાર્થીને માર મારતા અલગ અલગ દ્રશ્યો જોવા મળે છે. આ વીડિયોએ અગાઉના કિસ્સાની ગંભીરતામાં વધારો કર્યો છે. પોલીસ દ્વારા આ કેસની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને, માર મારનારા વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી વિદ્યાર્થી DySP નો પુત્ર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ શિક્ષણ જગતની પ્રતિષ્ઠાને કલંક લગાવ્યો છે અને પોલીસ દ્વારા આ મામલે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.
જુનાગઢ વિદ્યાર્થી માર મારવાના કેસમાં આહીર સમાજમાં રોષ
જુનાગઢમાં વિદ્યાર્થીને માર મારવાના ગંભીર કેસ બાદ, પીડિત વિદ્યાર્થી આહીર સમાજનો હોવાથી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં ઉપલેટા ખાતે આહીર સમાજના લોકો એકઠા થયા હતા અને તેમણે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. સમાજના આગેવાનોએ ઘટનામાં સંડોવાયેલા સંસ્થા અને તેના સંચાલકો સામે કડક અને આકરા પગલાં ભરવાની માગ કરી છે. આ મામલે, આહીર સમાજ દ્વારા શનિવારે ઉપલેટાના મામલતદાર અને સોમવારે જુનાગઢના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. આ આવેદનપત્રમાં તેઓ હોસ્ટેલ સંચાલકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા માટે વિનંતી કરશે.













