હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનો એકબીજાના પરિચયમાં આવે છે અને પ્રેમમાં પડતા થયા છે, ત્યારે ઉપલેટા રહેતી યુવતી જૂનાગઢના યુવાનના પ્રેમમાં પડે છે અને પોતે જૂનાગઢ મળવા આવી અને પછી તેના બેહાલ થયા છે. ઉપલેટાની એક યુવતીએ જૂનાગઢના વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સ સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે.


યુવતી ઈન્સ્ટાગ્રામ દ્વારા આરોપી વસીમ નાગોરીના સંપર્કમાં આવી

યુવતીએ આક્ષેપ કર્યો છે કે વસીમે તેને લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યારબાદ ધમકીઓ આપીને તેની પાસેથી લાખો રૂપિયા અને દાગીના પડાવી લીધા છે. આ સમગ્ર મામલે જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પીડિત યુવતી જે એક પ્રાઈવેટ બેન્કમાં નોકરી કરે છે, તે ઈન્સ્ટાગ્રામ દ્વારા આરોપી વસીમ નાગોરીના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ. તે સમયે યુવતીનો તેના પતિ સાથેનો ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેની જાણ વસીમને થઈ. આ તકનો લાભ ઉઠાવીને તેણે યુવતીને જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે એક હોટેલમાં મળવા બોલાવી હતી. ત્યાં તેણે લગ્ન કરવાની ખાતરી આપીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

પૈસા માટે યુવતીને હેરાન-પરેશાન કરતો

ત્યારબાદ તેઓ રાજકોટમાં પણ વારંવાર મળ્યા અને ત્યાં પણ લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યો હતો. વર્ષ 2024 દરમિયાન વસીમે યુવતીને જણાવ્યું કે તેને રૂપિયાની તાત્કાલિક જરૂર છે. જો યુવતી તેને રૂપિયા નહીં આપે તો હોટેલમાં મળ્યા હોવાની વાત તેના પતિને કહી દેવાની ધમકી આપી. તેણે યુવતીને ડરાવી કે જો આ વાત તેના પતિને ખબર પડશે તો કોર્ટમાં ચાલી રહેલો ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ નબળો પડશે અને તે કેસ હારી જશે. આ ધમકીથી ગભરાઈને યુવતીએ બેન્કમાંથી લોન લઈને વસીમને ₹1,70,000 મોકલ્યા હતા. ​આટલે થી ન અટકતા જ્યારે પણ તેને રૂપિયાની જરૂર પડતી, ત્યારે તે યુવતીને હેરાન-પરેશાન કરતો અને તેની પાસેથી દાગીના, મોબાઈલ ફોન અને રોકડ પણ બળજબરીથી પડાવી લેતો. યુવતીએ આ રૂપિયા ગોલ્ડ લોન, હોમ લોન અને અન્ય લોન લઈને વસીમને આપ્યા હતા.

આરોપી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ

આરોપી વસીમ નાગોરી હાલ પોલીસ કસ્ટડીમાં છે. તે ફોર વ્હીલના ખરીદ-વેચાણનો ધંધો કરે છે અને તેનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે. તેના વિરુદ્ધ અગાઉ પણ શારીરિક સંબંધ, પ્રોહિબિશન, જુગાર અને છેતરપિંડી જેવા ગુનાઓ નોંધાયેલા છે. તેના પરિવારમાં તેની બહેન વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે, જ્યારે તેના પિતા પણ પોલીસમાં હતા. ​પોલીસે આરોપી વિરુદ્ધ રેપ અને બળજબરીથી પૈસા પડાવી લેવા સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરી છે. વધુ તપાસ માટે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરશે.

  • Follow us on: