જૂનાગઢમાં કરોડો રૂપિયાની જમીનને લઈને ફરી એકવાર વિવાદ પોલીસ દફતરે પહોંચ્યો છે.ભેંસાણના પાટવડ કોઠા ખાતે આવેલા પ્રસિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજી એ તેમના સેવક નરેન્દ્ર અરજણ રાદડીયા અને અન્ય બે જૂનાગઢના શખ્સો ધ્રુવસિંહ ઝાલા અને પરેશ ત્રિવેદી સામે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મહંતનો આરોપ છે કે, 15 વર્ષ પહેલા મજેવડી ગામે સેવક નરેન્દ્રના નામે ખરીદેલી જમીન તેણે પોતાના પરિવારના નામે ટ્રાન્સફર કરી દગો દીધો અને હવે તેમને ધમકીઓ આપી રહ્યો છે.
ટાઇટલ ક્લિયર થયા પછી દસ્તાવેજ કરવાનું નક્કી થયું હતું
મહંત હરિદાસજીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 15 વર્ષ પહેલા જ્યારે તેઓ ગોલાધર ગામે સંકટ મોચન હનુમાનજી મંદિરની સેવા-પૂજા કરતા હતા, ત્યારે તેમણે મજેવડી ગામના મનસુખભાઈ મનજીભાઈ રૂડાણી પાસેથી એક જમીન ખરીદી હતી. ખાતેદાર ન હોવાને કારણે, મહંતે આ જમીન તેમના વિશ્વાસપાત્ર સેવક નરેન્દ્ર રાદડીયા અને તેની માતા લાધીબેનના નામે ખરીદી હતી.આ જમીન વિવાદમાં હોવાને કારણે, ટાઇટલ ક્લિયર થયા પછી દસ્તાવેજ કરવાનું નક્કી થયું હતું અને આ માટે નરેન્દ્ર પાસેથી લેખિત સંમતિ પણ લેવામાં આવી હતી.
નરેન્દ્રએ દાવો કર્યો કે જમીન તેના નામે છે અને તેની માલિકી તેની છે
જમીનનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે નરેન્દ્રએ દાવો કર્યો કે જમીન તેના નામે છે અને તેની માલિકી તેની છે.આ પછી મહંતે નરેન્દ્ર અને તેની માતાને 40 લાખ રૂપિયા આપીને સાટાખત કરાવ્યું અને ટાઇટલ ક્લિયર થયા પછી 1.20 કરોડ રૂપિયા ચૂકવવાની સમજૂતી કરવામાં આવી હતી. આ દરમિયાન લાધીબેનનું અવસાન થયું અને જમીનનું ટાઇટલ ક્લિયર થતાં નરેન્દ્રએ જમીન પોતાના ભાઈ, ભાભી, બહેન, ભત્રીજા અને ભત્રીજીના નામે 7-12 અને 8-બમાં એન્ટ્રી કરાવી લીધી હતી. તા.7 જૂન 2025 ના રોજ સરકડિયા હનુમાનજી મંદિર ખાતે નરેન્દ્ર રાદડીયા, ધ્રુવસિંહ ઝાલા અને પરેશ ત્રિવેદીએ મહંત સાથે જમીન બાબતે ચર્ચા કરી હતી.
નરેન્દ્રએ જમીન માટે 2.50 કરોડ રૂપિયાની માંગણી કરી
આ દરમિયાન નરેન્દ્રએ જમીન માટે 2.50 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. મહંતે આ માંગણી નકારતાં નરેન્દ્રએ ધમકી આપી કે “જમીન હવે મારા કુટુંબના નામે છે તું મારું કશું બગાડી શકે નહીં. અગાઉ તું બચી ગયો પરંતુ હવે તને છોડીશ નહીં. આ ધમકીઓ બાદ મહંતે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ભેંસાણ પોલીસે મહંતની ફરિયાદના આધારે નરેન્દ્ર રાદડીયા, ધ્રુવસિંહ ઝાલા અને પરેશ ત્રિવેદી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, જમીનના દસ્તાવેજો અને રેવન્યુ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. જેથી જમીનના ટ્રાન્સફરની પ્રક્રિયા અને તેની કાયદેસરતા ચકાસી શકાય.