ભારત ભરમાં સાયબર ફ્રોડ કરીને મેળવેલી રકમ જૂનાગઢના 9 બેંક ખાતા ધારકોના એકાઉન્ટમાં જમા કરાવતા જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ દ્વારા આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસની સમન્વય પોર્ટલના ઇનપુટ્સના આધારે થયેલી ફરિયાદોને લઈને જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીઓ અને તેમના મળતીયાઓએ બદ ઈરાદે બેંકોમાં ખાતા ખોલાવી ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરાવ્યું હતું. 9 બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરીને સાયબર ક્રિમિનલે ભારતના વિવિધ રાજ્યોના લોકોને છેતર્યા હતા.
અંદાજે 253 કરોડની રકમની છેતરપિંડી
અંદાજે 253 કરોડની રકમની છેતરપિંડી પૈકી આશરે 13,27,13,513 જેટલી માતબર રકમ આ ખાતાઓમાં જમા કરાઈ હતી.જે અંગે રાષ્ટ્રીય કક્ષાના NCCRP પોર્ટલ પર 360 ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે.જેના આધારે પોલીસે જે ફ્રોડની રકમ જૂનાગઢના બેંક એકાઉન્ટમાં જમા થઈ હતી તે 8 બેંક એકાઉન્ટ હોલ્ડરોની ધરપકડ કરવામાં આવી છે.પકડાયેલા તમામ 8 આરોપીઓ મુખ્ય સૂત્રધારોના મળતીયાઓ તરીકે કામ કરતા હતા. જેઓ કમિશનની લાલચમાં તેમના બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડા પેટે આપી દેતા હતા.જુદી જુદી બેંકની વાત કરીએ તો PNB, કેનરા, ઇન્ડિયન બેંક, એક્સિસ, BOB, યશ બેન્કમાં ખાતા ખોલાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.













