જૂનાગઢમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન પર ખાણ ખનીજ વિભાગે આખરે દરોડા પાડીને કાર્યવાહી શરૂ કરી છે. વિભાગે ચોરવાડ નજીકથી ગેરકાયદેસર પથ્થર ભરીને જતા સાત ટ્રેક્ટરને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ખાણ ખનીજ વિભાગ ઊંઘમાંથી જાગ્યું
ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ થોડા સમય પહેલાં જ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ પાડવાની ચીમકી આપી હતી. ધારાસભ્યની ચીમકી બાદ ખાણ ખનીજ વિભાગે આ કાર્યવાહી કરીને સક્રિયતા દર્શાવી છે. વિભાગની આ કામગીરીથી હવે ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે તેવી આશા સેવાઈ રહી છે.













