જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રીના દિવસે ભગવા કપડાં પહેરીના નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી મારનાર કીર્તિ પટેલ સામે કાયદાનો ગાળિયો કસાયો છે. કીર્તિ પટેલ સામે સાત દિવસમાં ત્રણ ફરિયાદો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. તેને રાજસ્થાનથી પકડીને જૂનાગઢ લાવવામાં આવી છે. પોલીસે મીડિયાને જોઈને ગાડી ભગાવી મુકી હતી.
એક જ સપ્તાહમાં કીર્તિ પટેલ સામે ત્રણ ફરિયાદો
જૂનાગઢમાં મહાશીવરાત્રીના મેળામાં મૃગી કૂંડમાં ડૂબકી લગાવવાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને કીર્તિ પટેલને મંદિર પરિસરની બહાર કાઢી હતી. ત્યાર બાદ કીર્તિ પટેલે મહિલા પોલીસ અધિકારી સામે બબાલ કરતા તેની સામે પોલીસની ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ધાર્મિક લાગણી દુભાવા અંગે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. આટલેથી નહીં અટકતા જેતપુરના એક યુટ્યૂબરે કીર્તિ પટેલે 20 લાખની ખંડણી માગીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાથી તેણે દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એક સાથે ત્રણ ફરિયાદો નોંધાતા કીર્તિ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.













