જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સામાન્ય રીતે ઉનાળામાં પાણીની ખેંચ વર્તાતી હોય છે, પરંતુ કેશોદમાં તો શિયાળાની ગુલાબી ઠંડીમાં જ નગરજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે. કેશોદ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી 10-10 દિવસે પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિકોની ધીરજની કસોટી થઈ રહી છે.
ગૃહિણીઓ અને શ્રમિકોની હાલત કફોડી
પાણી પુરવઠો સાવ ખોરવાઈ જતાં સૌથી વધુ હાલાકી મહિલાઓને ભોગવવી પડી રહી છે. 10 દિવસે એકવાર મળતું પાણી પૂરતા પ્રમાણમાં ન હોવાથી ગૃહિણીઓના ઘરના તમામ કામો અટકી પડ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પાણી ભરવાની લ્હાયમાં તેમનો આખો દિવસ બગડે છે, જેના કારણે મજૂરી કામ કરતા પરિવારોએ પોતાનો રોજગાર ગુમાવવો પડી રહ્યો છે. "વેરો સમયસર ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં?" તેવા વેધક સવાલો સાથે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
તંત્રનું એ જ જૂનું ગાણું: 'પાઈપલાઈનમાં ભંગાણ'
આ ગંભીર સમસ્યા અંગે જ્યારે કેશોદ નગરપાલિકા તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે ચીફ ઓફિસરે હંમેશની જેમ ટેકનિકલ ખામીનું બહાનું આગળ ધર્યું હતું. તંત્રના જણાવ્યા અનુસાર, મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડવાને કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. જોકે, તેમણે ખાતરી આપી છે કે, મરામતની કામગીરી ચાલુ છે અને આગામી ઉનાળા માટે રાજ્ય સરકાર પાસે વધારાના પાણીના જથ્થાની માંગણી પણ કરવામાં આવી છે.
ઉનાળામાં સ્થિતિ વણસવાની ભીતિ
કેશોદવાસીઓમાં અત્યારે સૌથી મોટો ડર એ વાતનો છે કે, જો ફેબ્રુઆરી મહિનામાં 10 દિવસે પાણી મળતું હોય, તો એપ્રિલ-મે મહિનાની કાળઝાળ ગરમીમાં શું હાલત થશે? અત્યારે તો જનતા તંત્રના વાયદાઓ પર આશા રાખીને બેઠી છે, પરંતુ જો વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં લોકોએ પાણી માટે રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Vadodaraમાં અગોરા સીટી સેન્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત