જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં છ મહિના પહેલાં રહસ્યમય રીતે ગુમ થયેલાં 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણિબેન રામદેવભાઈ બારૈયા નામની વૃદ્ધાની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે.પોલીસે ગામના જ એક અવાવરૂ કૂવામાંથી માનવ હાડપિંજરના અવશેષો અને કિંમતી દાગીના શોધી કાઢ્યા છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


દાગીના અને રોકડ રકમ પણ ગાયબ થઈ ગઈ

આશરે 6 મહિના પહેલાં ખમીદાણા ગામનાં સુમરીબેન રામદેભાઈ બારૈયા ગામમાં આયુષ્માન કાર્ડ કઢાવવા ગયા હતા.સવારે 11:30 વાગ્યાની આસપાસ તેઓ રહસ્યમય રીતે ગુમ થયા હતા.તેમના ભત્રીજા નાથાભાઈના જણાવ્યા અનુસાર,જ્યારે તેઓ ગુમ થયા ત્યારે તેમની પાસે 15 તોલા સોનાના દાગીના અને અંદાજે 2 લાખ રૂપિયાની રોકડ રકમ હતી. વૃદ્ધા ગુમ થયા બાદ આ દાગીના અને રોકડ રકમ પણ ગાયબ થઈ ગઈ હતી.

કચરાની થેલીમાં ભરેલા માનવ હાડકાં મળી આવ્યા

65 વર્ષીય સમરીબેન ગામના સીસીટીવી કેમેરામાં બહાર જતાં જોવા મળ્યા હતા જે દિશામાં પોલીસે તપાસ કરી હતી. પરંતુ પોલીસને અન્ય કોઈ કડી મળી ન હતી અને આ અંગે પરિવારજનો દ્વારા કોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવામાં આવી હતી. કેશોદ પોલીસે બાતમીદારોની મદદથી સતત તપાસ ચાલુ રાખી હતી.તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી કે ગામમાં જ પૂજા-વિધિ અને કર્મકાંડનું કામ કરતા મહેશ વ્યાસ નામના શખ્સે જ વૃદ્ધાની હત્યા કરી છે. પોલીસે જ્યારે ગામના સીમ વિસ્તારમાં આવેલા અવાવરૂ કૂવામાં તપાસ કરી,ત્યારે ત્યાં કચરાની થેલીમાં ભરેલા માનવ હાડકાં મળી આવ્યા હતા.

આરોપીએ વૃદ્ધા પર કુકર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો

આરોપીએ વૃદ્ધા પર કુકર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં નિષ્ફળ જતાં તેણે વૃદ્ધાની ઘાતકી હત્યા કરી નાખી અને પુરાવા નાબૂદ કરવા માટે મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો. વૃદ્ધા પાસે રહેલા કિંમતી દાગીના અને રોકડની લૂંટના ઈરાદે પણ આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની શક્યતા છે. પોલીસે હાડપિંજરના અવશેષોને DNA ટેસ્ટ અને FSL માટે મોકલી આપ્યા છે જેથી સત્તાવાર પુષ્ટિ થઈ શકે.હાલમાં પોલીસ આરોપીના ઘરે પંચોની હાજરીમાં તપાસ કરી રહી છે જેથી લૂંટાયેલા દાગીના અને રોકડ રકમ રિકવર કરી શકાય. આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Morbi: પોલીસનો માનવીય અભિગમ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો


  • Follow us on: