જુનાગઢ જિલ્લા જેલની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. જેલની અંદર મોબાઈલ ફોનનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાની માહિતીના આધારે અમદાવાદની સ્ક્વોડ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જેલ પરિસરમાંથી ચાલુ હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યા છે. અમદાવાદથી આવેલી સ્ક્વોડ દ્વારા જુનાગઢ જિલ્લા જેલમાં અચાનક અને સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જેલ પરિસરની અંદર રહેલા કચરાના ઢગલામાંથી કેટલાક મોબાઈલ ફોન છુપાવેલા મળી આવ્યા હતા.
ચેકિંગ દરમિયાન કચરાના ઢગલામાંથી મળ્યા મોબાઈલ
જેલની અંદર કચરાના ઢગલામાંથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટના દર્શાવે છે કે જેલમાં કેદીઓ સુધી પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવા માટે અસામાજિક તત્વો દ્વારા કેવા કેવા રસ્તાઓ અપનાવવામાં આવે છે. પોલીસે તાત્કાલિક મળી આવેલા તમામ મોબાઈલ ફોનને જપ્ત કરી લીધા છે. આ ફોનનો ઉપયોગ કયા કેદીઓ દ્વારા થતો હતો, કોની સાથે વાતચીત થતી હતી અને તે જેલમાં કેવી રીતે પહોંચ્યા તે જાણવા માટે જપ્ત કરાયેલા મોબાઈલ ફોનને FSLમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.













