ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આજે સવારે એકાએક ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ અને કંપન આસપાસના 10 કિલોમીટર સુધીના વિસ્તારોમાં અનુભવાયો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, વિસ્ફોટના કારણે એક ક્ષણ માટે એવું લાગ્યું જાણે મોટો ભૂકંપ આવ્યો હોય! આ કાળજું કંપાવી દેનારી દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરી રહેલા 5 થી 6 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
ધડાકા સાથે જ આસપાસના ગામોના લોકોમાં નાસભાગ મચી
ઘટનાની તીવ્રતા એટલી ગંભીર હતી કે વિસ્ફોટના ધડાકા સાથે જ આસપાસના ગામોના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
નજીકના ગ્રામ્ય વિસ્તારોના મકાનો પર પણ અસર
બ્લાસ્ટની સીધી અસર નજીકના ગ્રામ્ય વિસ્તારોના મકાનો પર પણ જોવા મળી છે, જ્યાં કેટલાક ઘરોમાં સામાન્ય નુકસાનના અહેવાલ છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરોની ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ફેક્ટરી ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી
તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, રહેણાંક વિસ્તાર અને ડમ્પિંગ સ્ટેશનની બિલકુલ સામે આવેલી આ ફટાકડાની ફેક્ટરી કોઈ પણ સરકારી મંજૂરી વિના તદ્દન ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી. ફેક્ટરીમાં સુરક્ષાના કોઈ સાધનો કે નીતિ-નિયમોનું પાલન કરવામાં આવતું નહોતું. વહીવટી તંત્રની આંખ નીચે લાંબા સમયથી ચાલી રહેલા આ મોતના કારખાનામાં થયેલા વિસ્ફોટને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ગેરકાયદેસર ફેક્ટરીના માલિકો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.
ફેક્ટરી મિતુલ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા 1 વર્ષથી મંજૂરી વગર ચલાવતો
ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થવાની ઘટના માં એક મહિલા અને એક યુવકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ફેક્ટરી મિતુલ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા 1 વર્ષથી મંજૂરી વગર ચલાવતો હતો. બ્લાસ્ટની ગંભીરતાને જોતા સ્થાનિક ધારાસભ્ય, પ્રાંત અધિકારી અને DySP સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. રાહત અને બચાવ કામગીરી માટે ફાયર ફાઇટર અને બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. હાલમાં FSL ની ટીમ અને સ્થાનિક પોલીસે આ ગેરકાયદેસર ફેક્ટરીના બ્લાસ્ટ પાછળના અસલી કારણો શોધવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર