ખેડા જિલ્લામાં સ્ટેટ વિજિલન્સની ટીમે છેલ્લા 24 કલાકમાં બે અલગ અલગ સ્થળોએ મોટી કાર્યવાહી હાથ ધરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં વિજિલન્સ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેના પરિણામે એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
કન્ટેનરમાં ભરેલો મોટાપાયે દારૂનો જથ્થો મળી આવ્યો
પ્રથમ કાર્યવાહી ઠાસરા તાલુકાના બાધરપુરા સીમ વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યાંથી અંદાજે 20 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. ત્યારબાદ બીજી રેડ કપડવંજ રૂરલ પોલીસ મથકની હદમાં આવેલા ચેકપોસ્ટ નજીક તિરંગા હોટલના પાર્કિંગમાં કરવામાં આવી હતી. અહીંથી એક કન્ટેનરમાં ભરેલો મોટાપાયે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન સ્ટેટ વિજિલન્સે બે ઈસમોની અટકાયત કરી છે, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.













