ખેડા જિલ્લામાંથી મામા-ભાણીના સંબંધોને લજવતો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. નડિયાદ તાલુકાની 17 વર્ષિય સગીરા પર પોતાના જ સગા મામાએ દુષ્કર્મ આચર્યુ છે. જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે મામાની કરતૂતનો ફાંડો ફૂટ્યો છે. સગીરા 6 માસ અગાઉ પોતાના મોસાળમાં જતા ત્યાં સગા મામાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી. આ ઘટના અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


પરિવારજનો આઘાતમાં ડૂબી ગયા

ચકલાસી પોલીસ મથક પાસેથી મળેલી વિગતો અનુસાર આ ઘટના લગભગ 6 માસ અગાઉ બની હતી. સગીર યુવતી, જે પોતાના પરિવાર સાથે નડિયાદ પંથકમાં રહે છે, તે આણંદ જિલ્લાના આંકલાવ ગામે પોતાના મોસાળ ગઈ હતી. તે વખતે તેના સગા મામા ઈકબાલશા ઇબ્રાહીમ દીવાને તેને પ્રેમજાળમાં ફસાવી અને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાને લીધે સગીરા ગર્ભવતી બની, જેની જાણ થતાં પરિવારજનો આઘાતમાં ડૂબી ગયા છે. પરિવારજનોએ આ બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરી, જેમાં સગીરાના સગા મામા ઈકબાલશાની કરતૂત સામે આવી છે. આ અંગે પરિવારે તાત્કાલિક ચકલાસી પોલીસ મથકે મામા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

6 માસ બાદ સગીરાને પેટમાં દુ:ખાવો થતાં ભાંડો ફૂ્ટ્યો

સગીર ભાણી પર સગા મામાએ બેથી ત્રણવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હોવાના પણ આક્ષેપ થયા છે. જોકે 6 માસ બાદ સગીરાને પેટમાં દુ:ખાવો થતાં જ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં આ સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. સગીરાને 6 માસનો ગર્ભ રહ્યો હતો. સગીરાના ગર્ભમાં રહેલું બાળક મૃત અવતર્યું હતું. હાલમાં સગીરાની હાલત સ્થિર છે અને સમગ્ર બનાવ અંગેની ફરિયાદ ચકલાસી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે ઝીરો નંબરથી આંકલાવ ખાતે ટ્રાન્સફર કરાઈ છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે આઘાત અને આક્રોશ પેદા કર્યો છે. સગા સંબંધોમાં આવા ઘૃણાસ્પદ કૃત્યએ સમાજના મૂળ મૂલ્યો પર પ્રશ્ન ઉભા કર્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે અને આ કેસમાં વધુ વિગતો ટૂંક સમયમાં બહાર આવે તેવી શક્યતા છે. આ ઘટના સમાજમાં સ્ત્રી સુરક્ષા અને નૈતિક મૂલ્યોના મહત્વને ફરી એકવાર રેખાંકિત કરે છે.

  • Follow us on: