કચ્છના ખાવડા વિસ્તારમાં કાયદાને હાથમાં લેવાની અને બે યુવકોને તાલિબાની ઢબે સજા આપવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખાવડા વિસ્તારમાં આ બે યુવકો ગામની યુવતીઓ સાથે ઝડપાયા હતા. આ યુવકોને સબક શીખવવા માટે અમુક અસામાજિક તત્વો દ્વારા અમાનવીય સજા કરવામાં આવી હતી. બંને યુવકોના માથા પરથી વાળ કાપીને તેમને ટકલા કરી નાખવામાં આવ્યા હતા.
બે યુવકોના માથા પરથી વાળ કાપી નખાયા
આ ઉપરાંત તેમની અડધી મૂછો પણ કાપી નાખવામાં આવી હતી. જે અપમાનિત કરવાની એક રીત છે. સજા આપતી વખતે કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ તાલિબાની સજાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જાહેરમાં યુવકોને આ પ્રકારે અપમાનજનક અને સખત સજા આપવી એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.













