મહેસાણા પોલીસે બાલિયાસણા ગામમાંથી ગાંજા સાથે એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જ્યાં ખેતરમાં તૈયાર કરવામાં આવેલા કાચા છાપરાની નીચે ગાંજાનો જથ્થો મુકીને તેનો વેપાર કરવામાં આવતો હતો. પોલીસે આ વેપારનો પર્દાફાશ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.
ખેતરમાંથી ગાંજાનું વેચાણ ઝડપાયું
મહેસાણા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, બાલીયાસણા ગામની સીમમાં ભાસરીયા ચોકડી નજીક આવેલા કૌહવાળા આંટા વિસ્તારમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે દરોડો પાડ્યો ત્યારે ખેતરમાં કાચુ છાપરૂ બનાવી ત્યાં ગાંજો મુકીને તેનો વેપાર કરવામાં આવતો હતો. પોલીસને ખેતરમાંથી 28 હજારની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 5 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન અને ગાંજો મળી કુલ 33950નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મહેશજી ઠાકોરની ધરપકડ કરી હતી.













