મહેસાણા જિલ્લાનું ઊંઝા માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું મસાલા બજાર ગણાય છે. જીરું અને વરિયાળી બાદ હવે ઊંઝા અજમા ના હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા અજમા ની આવક શરૂ થઈ ગઈ છે. જોકે, ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે અજમા ના પાકની ગુણવત્તા પર માઠી અસર જોવા મળી છે.
નવા અજમા ની હરાજીની ગૂંજ
ઊંઝા માર્કેટ યાર્ડમાં અત્યારે નવા અજમા ની હરાજીની ગૂંજ સંભળાઈ રહી છે. દરરોજ અંદાજે ૨૦૦ થી ૨૫૦ ગુણી અજમા ની આવક થઈ રહી છે. ખેડૂતોને તેમના માલના ૨૫૦૦ થી ૩૫૦૦ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે.
માર્કેટમાં આવી રહેલા અજમા માં કાળાશ જોવા મળી રહી છે
જોકે, ચાલુ વર્ષે ખેડૂતો માટે સ્થિતિ થોડી ચિંતાજનક છે. ખેતી નિષ્ણાતો અને વેપારીઓના મતે, આ વર્ષે વરસાદને કારણે અજમા ના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે માર્કેટમાં આવી રહેલા અજમા માં કાળાશ જોવા મળી રહી છે અને અપેક્ષા મુજબની ક્વોલિટી નથી મળી રહી.
ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક બજારમાં આવશે, ત્યારે જ ચિત્ર વધુ સ્પષ્ટ થશે
ઉત્તર ગુજરાતમાં અજમા નો મુખ્ય પાક માર્ચ અને એપ્રિલ મહિનામાં આવતો હોય છે. જ્યારે સારો પાક હોય ત્યારે ૨ થી ૩ લાખ ગુણીની આવક થતી હોય છે. ઊંઝામાં બારેમાસ અજમા નું વેચાણ ચાલતું હોવાથી તે હવે અજમા ના મોટા હબ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. હાલમાં અન્ય પંથકમાંથી જે અજમો આવી રહ્યો છે, તેમાં વરસાદને કારણે નુકસાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં જ્યારે ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક બજારમાં આવશે, ત્યારે જ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
માર્કેટ યાર્ડમાં નવા અજમા ના આગમન સાથે વેપારી પ્રવૃત્તિઓ તેજ
આમ, ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા અજમા ના આગમન સાથે વેપારી પ્રવૃત્તિઓ તેજ બની છે, પરંતુ કુદરતી આફતને કારણે પાકની નબળી ગુણવત્તા ખેડૂતો અને વેપારીઓ બંને માટે ચિંતાનો વિષય છે. હવે સૌની નજર માર્ચ-એપ્રિલમાં આવનારા ઉત્તર ગુજરાતના મુખ્ય પાક પર છે..
આ પણ વાંચો---- Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે