'ભણશે ગુજરાત, ગણશે ગુજરાત'ના સૂત્રો વચ્ચે મહેસાણા જિલ્લાના હેડુવા હનુમંત ગામમાં શિક્ષણની ચિંતાજનક તસવીર સામે આવી છે. અહીંની 35 વર્ષ જૂની પ્રાથમિક શાળા જર્જરિત જાહેર થતાં તેને તોડી તો પાડવામાં આવી, પરંતુ નવી શાળા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા છેલ્લા 6 મહિનાથી 162 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.
વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે દર-દર ભટકતા વિદ્યાર્થીઓ
શાળાના ઓરડા તોડી પડાયા બાદ ધોરણ 1 થી 8 ના બાળકો હાલ અત્યંત હાલાકીમાં અભ્યાસ કરી રહ્યા છે. કાયમી વર્ગખંડો ન હોવાથી બાળકોને ગામના મંદિરના હોલ અને ઓરડામાં, લીમડા કે વડના ઝાડ નીચે ખુલ્લામાં તેમજ ગામના લોકોના ખાનગી મકાનો અને વાડીમાં બેસવું પડે છે. બે પાળીમાં અને અલગ-અલગ જગ્યાએ વિખરાઈને બેસવું પડતું હોવાથી શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. સ્માર્ટ સ્કૂલના યુગમાં બાળકોને બેસવા માટે સાદા ઓરડા પણ ન મળતા સરકારની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.













