ખેરાલુ તાલુકાના ચાડા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામની સીમમાંથી પસાર થતી ધરોઈ કેનાલમાં એક વૃદ્ધ મહિલા ડૂબ્યા હોવાના સમાચાર મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો કેનાલ કાંઠે ઉમટી પડ્યા છે. ચાડા ગામના વતની આનંદીબેન મગનલાલ બારોટ (ઉંમર આશરે 75 વર્ષ) બપોરના સમયે અચાનક કેનાલમાં પડ્યા હતા.


બપોરના સમયે કેનાલમાં પડ્યા હોવાનું અનુમાન

પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તે જ કારણોસર તેઓ કેનાલમાં પડ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ બચાવ કામગીરી માટે દોડધામ કરી હતી અને તંત્રને જાણ કરી હતી. વૃદ્ધાની શોધખોળમાં સરળતા રહે તે માટે ધરોઈ હેડવર્ક ખાતેથી કેનાલનું પાણી બંધ કરાવવામાં આવ્યું છે.

75 વર્ષીય આનંદીબેન બારોટ કેનાલમાં ડૂબ્યા

મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને બોટ તેમજ ડૂબકીમારોની મદદથી આનંદીબેનની શોધખોળ તેજ કરી છે. કેનાલના વહેતા પાણીને કારણે શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ ફાયર ટીમ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરિવારજનો અને ગ્રામજનો હાલ આશા સાથે કેનાલ કાંઠે રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: