નવસારીના ગાંધી ફાટક પાસે આવેલી હેપ્પી સ્ટે નામની એક હોટલમાં આજે એક રહસ્યમય અને ચોંકાવનારો બનાવ બન્યો છે. જ્યાં એક યુવકનો મૃતદેહ બાથરૂમમાંથી લટકતી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકની ઓળખ મીત હળપતિ તરીકે થઈ છે. યુવક મીત હળપતિ આજે સવારે તેની એક મહિલા મિત્ર સાથે હોટલમાં આવ્યો હતો અને રૂમ લીધો હતો. થોડા સમય બાદ મીત બાથરૂમમાં ગયો હતો.


યુવક બાથરૂમમાંથી લાંબા સમય સુધી બહાર ન આવ્યો

પરંતુ તે લાંબા સમય સુધી બહાર ન આવતા તેની સાથે આવેલી યુવતીને શંકા ગઈ હતી. યુવતીએ આ અંગે તાત્કાલિક હોટલના રિસેપ્શન પર જાણ કરી હતી. હોટલ મેનેજમેન્ટે તરત જ રૂમ પર પહોંચીને બાથરૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ પ્રતિભાવ ન મળતાં મેનેજમેન્ટે દરવાજો તોડવાનો નિર્ણય કર્યો હતો. દરવાજો તોડતાં જ અંદરનો નજારો જોઈને સૌ કોઈ ચોંકી ઊઠ્યા હતા. યુવક મીત હળપતિનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

બાથરૂમનો દરવાજો તોડતા યુવકનો મૃતદેહ મળ્યો

આ ઘટના અંગે તાત્કાલિક જલાલપોર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકે કયા કારણોસર આ ઘાતક પગલું ભર્યું? તેણે આત્મહત્યા કરી છે કે હત્યા પાછળ અન્ય કોઈ રહસ્ય છે? આ અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. જલાલપોર પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને યુવતી તેમજ હોટલ સ્ટાફની પૂછપરછ શરૂ કરી છે.


  • Follow us on: