પાલનપુર શહેરના એરોમા સર્કલ નજીક અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ધોળા દિવસે લુખ્ખા તત્વોએ એક કોમ્પ્લેક્સમાં થાર કાર ઘુસાડીને સલૂનની દુકાનમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે અસામાજિક તત્વોએ કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો.
ધોળા દિવસે કોમ્પ્લેક્સમાં કાર ઘુસાડી કરી તોડફોડ
લુખ્ખા તત્વોએ સૌપ્રથમ પાર્કિંગમાં પડેલા ટુ-વ્હીલર વાહનોને ખસેડ્યા હતા. ત્યારબાદ આરોપીએ થાર કારને ત્રણ પગથિયાં ચડાવીને કોમ્પ્લેક્સમાં પ્રવેશ કરાવ્યો હતો. કારને સીધી સલૂનની દુકાનમાં ઘુસાડી દેવામાં આવી હતી. જેના કારણે દુકાનને મોટું નુકસાન થયું હતું. ધોળે દિવસે પાલનપુરમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. અસામાજિક તત્વોના આ કારનામાને કારણે આસપાસના વેપારીઓ અને રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે.













