પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોદ ગામની સીમ વિસ્તારમાં શુક્રવારે બપોરના સમયે 4 શખ્સોએ હથિયાર સાથે યુવાનની કુહાડી અને લોખંડના પાઇપના ઘા ઝીંકી હત્યા નિપજાવી નાશી છૂટ્યા હતા. આ હત્યાના કારણોમાં આ યુવાનને તેના દૂરના કૌટુંબિક કાકાની દીકરી એટલે કે પિતરાઈ બહેન સાથે પ્રેમ થયો હતો, અને બંને નાશી ગયા હતા. મૃતક રાજુ દાના કોડીયાતર અને યુવતી બંને પરણિત હોવા છતાં પ્રેમ સંબંધ હતો, આ પ્રેમ પ્રકરણના મનદુઃખમાં યુવાનની તેનાજ સબંધીઓ એ મળીને હત્યા નિપજાવ્યાની પોલીસ ફરિયાદ મૃતકના બહેન ભીખુબેને નોંધાવી છે.


25 વર્ષીય યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

રાણાવાવ તાલુકાના ભોદ ગામે સીમ વિસ્તારમાં ખોડિયાર મંદિરની બાજુમાં રહેતા રાજુ દાના કોડિયાતર નામનો 25 વર્ષીય યુવાન શુક્રવારે તેના ઘરે સબંધી 4 શખ્સો ઘરના બારણામાં કુહાડીના ઘા મારી ઘરમાં પ્રવેશ કરી રાજુ દાના કોડિયાતરને કુહાડી, લોખંડનો પાઈપ અને લાકડી વડે માર મારી હત્યા નિપજાવી હતી. આ અંગે યુવાનની બહેન ભીખુબેન કોડિયાતરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભીખુબેને જણાવ્યું હતુંકે, તેનો ભાઈ રાજુ દાના કોડિયાતરને તેનાજ દુરના કૌટુંબિક કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને રાજુ તથા યુવતી બંને ભાગી ગયા હતા ત્યારબાદ પોલીસે તેમને શોધી કાઢ્યા હતા અને યુવતીને તેના માતા-પિતાને સોંપી દીધી હતી.

પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી

આ બનાવ બાદ પ્રેમ અંગે રાજુ કોડિયાતરના કૌટુંબિક કાકા વેજા કરશન કોડીયાતરે મન દુઃખ રાખી શુક્રવારે બપોરના સમયે વેજા કોડિયાતરના પુત્ર બધા વેજા કોડિયાતર, સાગા કરણા તેમજ હીરા ગલા કોડીયાતરે રાજુની કુહાડી સહિતના હથિયાર વડે માર મારી હત્યા નિપજાવી હતી. આ બનાવ બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.રાજુના મૃતદેહને પીએમ માટે રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે રાજુની બહેનની ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. રાણાવાવ પોલીસે ગણતરીની કલાકોમાં જ ફરાર ચારેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: