રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતો બનાવ સામે આવ્યો છે. શહેરના બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે 11 બાળકો ગાયબ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે.મોડી રાત્રે આ બાળકો બાળગૃહમાંથી નાસી છૂટ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે તપાસમાં એક બાળકને શોધી કાઢ્યો છે. આ અંગે રાજકોટ કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.
હજી ફરાર થયેલા 10 બાળકોની શોધખોળ ચાલુ
સમગ્ર ઘટનાને લઈને રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા જણાવાયું હતું કે, બાળ સુરક્ષા ગૃહમાં કૂલ 54 બાળકો છે. સવારે 9 વાગ્યે આ 54માંથી 11 બાળકો ભાગ્યા હતાં. જેમાથી એક પાકિસ્તાની બાળક પરત ફર્યો છે. હજી ફરાર થયેલા 10 બાળકોની શોધખોળ ચાલુ છે. આ બાળકો પહેલાથી પ્લાનિંગ કરી ગ્રીલ તોડીને ભાગ્યા હતાં. ભાગતી વખતે રૂમનો કેમેરો પણ તોડી નાંખ્યો હતો. અહીં સાત વર્ષથી વધુ સજા હોય તેવા બાળકો રહેતા હતાં. પોલીસ બાળકોને શોધવા કામગીરી કરી રહી છે. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.













