રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે અને 16.67 લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં આરોપી ગૌરવ સોનવણેની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે.
ફેક એપ ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતો
ગૌરવે શેર માર્કેટમાં નફાની લાલચે છેતરપિંડી કરી હતી. તે ફેક એપ ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતો હતો તથા લોકોને જુદાજુદા બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. આરોપી વિરુદ્ધ અલગ અલગ 9 રાજ્યોમાં ફરિયાદ થયેલી છે.
શેરબજારમાં રોકાણ કરવાથી મોટા પ્રમાણમાં નફો થવાની લાલચ આપતો
ફરિયાદી રણજીત સોલંકી સાથે એપ્રિલ 2025 થી લઈ જૂન 2025 ના સમયગાળા દરમિયાન 16,67,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. પ્રાઇવેટ નોકરી કરનારા રણજીત સોલંકીને આરોપીઓ દ્વારા શેરબજારમાં રોકાણ કરવાથી મોટા પ્રમાણમાં નફો થશે તે પ્રકારની લાલચ આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને એપ્લિકેશનની લીંક મોકલી આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી તેમાં તેમનું એકાઉન્ટ પણ બનાવ્યું હતું.
Also Read
Rajkot News: ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાનો જેલમાંથી છુટકારો,ખોટી મિનિટ્સ બુક ઉભી કરવાના કેસમાં મળ્યા જામીન
Rajkot : રાજકોટવાસીઓ આનંદો, દિવાળીની મોટી ભેટ, 26 ઓક્ટોબરથી મુસાફરોને વધુ 2 ફ્લાઇટનો મળશે લાભ
Rajkot News : શ્રી હરી કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ, 1 નું મોત અને 1 ઈજાગ્રસ્ત, પોલીસે તપાસ શરૂ કરી...
રણજીત સોલંકીને શંકા જતા તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો
નવાઇની વાત એ છે કે 16,67,000 ની સામે તેમને તેમના વોલેટમાં 41,15,332 રૂપિયા જેટલો પ્રોફિટ બતાવતો હતો. તેમજ રણજીત સોલંકી દ્વારા વોલેટમાં બતાવી રહેલ રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં વિડ્રો કરવાનું જણાવતા આરોપીઓ દ્વારા ચાર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી રણજીત સોલંકીને શંકા જતા તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો...
ગૌરવના ખાતામાં જમા થયેલી રકમ અન્ય બેન્ક એકાઉન્ટમાં જમા થઈ
ત્યારે સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ 319 (2), 318 (4), 316(2), 338 તેમજ આઇટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બનાવ સંદર્ભે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી ગૌરવ સોનવણેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી દ્વારા કુલ ત્રણ જેટલા બેન્ક એકાઉન્ટમાં 16,67,000 જેટલી રકમ જમા કરાવવામાં આવી હતી. જે પૈકી 8,14,000 રૂપિયા જેટલી રકમ ગૌરવના ખાતામાં જમા થયા હતા. તેમજ ગૌરવના ખાતામાં જમા થયેલી રકમ અન્ય બેન્ક એકાઉન્ટમાં જમા થઈ હતી.
બેન્ક એકાઉન્ટ તેણે પોતાના મિત્ર સચિન મોરેને વાપરવા માટે આપ્યું
ગૌરવની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, પોતાનું બેન્ક એકાઉન્ટ તેણે પોતાના મિત્ર સચિન મોરેને વાપરવા માટે આપ્યું હતું. તેમજ બેન્ક એકાઉન્ટ વાપરવા આપવાની સામે સચિન મોરે દ્વારા તેને પૈસાની લાલચ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ ગૌરવના બેન્ક એકાઉન્ટની નેટબેન્કિંગને લગતી વિગતો સચિન મોરે પોતાની પાસે રાખી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સચિન મોરે હાલ મહારાષ્ટ્રની જેલમાં કોઈ અન્ય ગુનાના કામે બંધ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા તેનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવામાં આવશે. તો સાથે જ અન્ય બે એકાઉન્ટ ધારકની પણ હાલ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
દેશના અલગ અલગ નવ રાજ્યમાં ફરિયાદ
પોલીસની પ્રાથમિક તપાસમાં ગૌરવના બેન્ક એકાઉન્ટમાં દેશના અલગ અલગ નવ રાજ્યમાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. ગૌરવ બ્લીન્કીટ નામની કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામકાજ કરતો હતો.










