રાજકોટવાસીઓને દિવાળીની મોટી ભેટ મળી. તારીખ 26 ઓક્ટોબરથી હીરાસર એરપોર્ટ ઉપરથી મુસાફરોને વધુ બે ફ્લાઇટનો લાભ મળશે. શિયાળુ સત્ર માટે આ વિમાની સેવા શરૂ કરવાનું શેડ્યુલ્ડ જાહેર કરવામાં આવ્યું. દિવાળી પહેલા જ વિમાની મુસાફરો માટે રાજકોટથી દિલ્હીની બે ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત થઈ છે. આજ સુધી રાજકોટ એરપોર્ટ ઉપર થી 11 ફ્લાઈટ ઉપલબ્ધ હતી. હવે ઈન્ડિગો અને એર ઈન્ડિયા બંને રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ શરૂ કરવા જઈ રહ્યા છે.
ફ્લાઇટ ફ્રિકવન્સી વધતા મુસાફરોને લાભ
આ સાથે જ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિન્ટર શેડયૂલમાં ઉડાન ભરનારી ફ્લાઇટની સંખ્યા હવેથી 11 થી વધી 13 થશે. હાલ મુંબઈની 5, દિલ્હીની 2, પુણે, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની 1- 1 ફ્લાઈટની ઉડાન ભરી રહી છે. જ્યારે વિન્ટર શેડયૂલમાં દિલ્હીની વધુ 2 ફ્લાઇટ શરૂ થતા રાજકોટથી દિલ્હી જવા માટેની ફ્રિકવન્સી વધશે એટલે કે શિયાળુ સિઝનમાં રાજકોટથી દિલ્હી જવા માટે 4 ફ્લાઈટ ઉડાન ભરશે. હીરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ દૈનિક 8 સહિત 11 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં ઈન્ડિગો દ્વારા દિલ્હીની વધારાની ફ્લાઇટ 8.05 વાગ્યાની તો એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટ સવારે 10.10 વાગ્યાની શરૂ થવા જઈ રહી છે. જેથી રાજકોટથી દિલ્હી જવા માટેની ફ્રિકવન્સી વધશે અને તેનો ફાયદો હવાઈ મુસાફરોને થશે.
બિઝનેસ કોમ્યુનિટીને મોટો ફાયદો
27, જુલાઈ - 2023 ના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનૂું ઉદ્ઘાટન થયુ હતું. ત્યાર બાદથી દિલ્હીની સવારની ફ્લાઈટ બંધ હતી. જોકે હવે 2 વર્ષ બાદ રાજકોટથી દિલ્હીની સવારની ફ્લાઈટ શરૂ થતા બિઝનેસ કોમ્યુનિટીને સૌથી મોટો ફાયદો થશે. કારણકે તેઓ પોતાના બિઝનેસ માટે રાજકોટથી દિલ્હી જઈ તે જ દિવસે રાજકોટ પરત ફરી શકશે. જોકે રાજકોટથી ચાઇના જવા માટેની કનેક્ટિંગ ફલાઈટ હજુ શરૂ નહીં થાય કારણ કે ઈન્ડિગોના વિન્ટર શેડયૂલમાં રાજકોટથી કલકત્તાની ફ્લાઇટ સમાવેશ કરવામાં આવ્યો નથી પરંતુ કલકત્તાથી ચાઇનાની ફ્લાઈટ શરૂ થઈ જતા હવે ટૂંક સમયમાં રાજકોટથી કલકત્તાની ફ્લાઈટની જાહેરાત થાય તો નવાઈ નહીં.
એર ઇન્ડિયાની ફ્લાઇટનું વિન્ટર શેડયૂલ
- ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન
- AI 2285/2286 - મુંબઈ - 8.30 - દૈનિક
- AI 0885/0886 - દિલ્હી - 10.10 - દૈનિક
- AI 2730/2731 - મુંબઈ - 18.00 - દૈનિક
- AI 2537/2538 - દિલ્હી - 20.00 - દૈનિક
ઈન્ડિગોની ફ્લાઈટનું વિન્ટર શેડયૂલ
- ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન - દિવસો
- 6E 6558 - દિલ્હી - 8.05 - દૈનિક
- 6E 6132 - મુંબઈ - 9.00 - દૈનિક
- 6E 6245 - પુણે 10.25 - મંગળ, ગુરૂ, રવિવાર
- 6E 0155 - ગોવા - 12.00 - દૈનિક
- 6E 6371- હૈદરાબાદ - 15.55 - દૈનિક
- 6E 6508 - બેંગલોર - 16.15 - દૈનિક
- 6E 0937 - મુંબઈ - 16.55 - દૈનિક
- 6E 5009 - દિલ્હી- 17.55 - દૈનિક
- 6E 0274 - મુંબઈ - 19.55 - દૈનિક
એરપોર્ટ પરથી 11 ફલાઈટ ઓપરેટ
રાજકોટથી દૈનિક 8 સહિત 11 ફલાઇટ ઓપરેટ થાય છે. આ ઉપરાંત 1 સુરત જતુ વેન્ચુરા 9 સીટર છે. જે પણ કાર્યરત છે ત્યારે રાજકોટથી દિલ્હી જવા નવી ફલાઈટ શરૂ થતા ઉદ્યોગકારો અને વેપારીઓને ફાયદો થશે. આ ઉપરાંત ટૂંક સમયમાં ઇન્ડિગોનું વિન્ટર શેડ્યુલ આવશે. જેમાં રાજકોટથી કોલકત્તા માટેની ફ્લાઈટ શરૂ થાય તેવી આશા છે.અગાઉ એરપોર્ટ ડાયરેક્ટરે પણ આ બાબતને સમર્થન આપી કહ્યું હતું કે,ટૂંક સમયમાં નવા સેકટર માટે વિચારણા ચાલી રહી છે,ઈન્ડિગોએ રાજકોટથી કોલકત્તા માટે પ્રપોઝલ મૂકી છે. જે મંજુર થશે તો રાજકોટથી ચાઈના માટે કનેકટીંગ ફ્લાઈટ મળી રહેશે.