રાજકોટ શહેરના શ્રી હરી કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે આગ લાગવાની એક ગંભીર ઘટના બની છે. કોમ્પ્લેક્ષના પાંચમા માળે લાગેલી આ વિકરાળ આગમાં એક બંગાળી કારીગરનું કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક કારીગર ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. જે દુકાનમાં આગ લાગી હતી ત્યાં ગેસ સિલિન્ડર પણ હોવાથી આગે ટૂંક સમયમાં જ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો.


દુર્ઘટના સમયે દુકાનમાં 10 કારીગરો હતા

દુર્ઘટના સમયે આ દુકાનમાં કુલ 10 જેટલા કારીગરો કામ કરી રહ્યા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બચાવ કામગીરી મુશ્કેલ બની ગઈ, જેના પરિણામે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો. આ ઘટનાથી કોમ્પ્લેક્ષ અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્ત વ્યક્તિની ઓળખ અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ગેરકાયદેસર બાંધકામ અંગે પોલીસની તપાસ

સમગ્ર મામલે ACP બી.જે.ચૌધરીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જે દુકાનમાં આગ લાગી હતી તેની ઉપર એટલે કે કોમ્પ્લેક્ષની અગાસી પર એક શેડ બનાવવામાં આવ્યો હતો. ACP ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે આ શેડ કાયદેસર રીતે બનાવવામાં આવ્યો છે કે ગેરકાયદેસર, તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ તપાસના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામ આગ લાગવાના સંજોગોમાં કેટલું જોખમી બની શકે છે, તે આ દુર્ઘટનાથી ફરી એકવાર સામે આવ્યું છે.


  • Follow us on: