રાજકોટ શહેરમાં સગીર વયના વાહન ચાલકોની બેદરકારીના કારણે વધુ એક માસૂમનો ભોગ લેવાયો છે. શહેરના કુવાડવા રોડ પર એક સગીર કાર ચાલકે બે નાની બાળકીઓ પર બેફામ ગતિએ કાર ચડાવી દઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં માત્ર 4 વર્ષની માસૂમ બાળકી જિયાંશીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ છે.


આરોપી સગીર ગાંધી વસાહત વિસ્તારનો રહેવાસી

મળતી માહિતી મુજબ, અકસ્માત સર્જનારો આરોપી સગીર ગાંધી વસાહત વિસ્તારનો રહેવાસી છે. ઘટનાને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી પોલીસ આરોપી સગીરને પકડવામાં નિષ્ફળ રહી છે. 

પોલીસ સામે લોકોમાં ભારે રોષ 

સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે મોહરમના બંદોબસ્તનું બહાનું ધરીને પોલીસ દ્વારા આ ગંભીર મામલે તપાસ ઠપ્પ કરી દેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

બંને બાળકીઓ લોહીલુહાણ હાલતમાં ફેંકાઈ ગઈ

અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ બંને બાળકીઓ લોહીલુહાણ હાલતમાં ફેંકાઈ ગઈ હતી. જિયાંશીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેણે દમ તોડી દીધો હતો. એક તરફ માસૂમ દીકરી ગુમાવનાર પરિવાર ન્યાય માટે આક્રંદ કરી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ તંત્રની ઢીલી નીતિ ચર્ચાનો વિષય બની છે.

સગીરોને કાયદાનો કોઈ ડર નથી

શહેરમાં સગીરોને કાયદાનો કોઈ ડર ન હોય તેમ બેફામ વાહનો હંકારવાની ઘટનાઓ વધી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ માગ કરી છે કે સગીરની સાથે-સાથે કારના માલિક અને તેના વાલી સામે પણ કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. હાલમાં આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ આરોપી ક્યારે પકડાશે તે સૌથી મોટો સવાલ છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર

  • Follow us on: