રાજકોટમાં રીયલ પર્લ પાર્ટી પ્લોટના માલિકને ગળે છરી રાખી રૂ.4 લાખની સોનાની માળાની લૂંટ ચલાવી બંટી-બબલી નાસી છૂટતાં પોલીસે ગણતરીના કલાકોમાં બે મહિલા સહીત ચાર આરોપીઓને ઝડપી પાડી તેની પાસેથી કુલ 12.50 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં આરોપી અગાઉ દોઢ માસ પૂર્વે આ જ પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમાં ગયો હોવાથી ત્યારે રેકી કરી હોવાથી બાદમાં મિત્ર સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો જેમાં સફળતા મળ્યે લૂંટમાં ગયેલ સોનાની માળા વેચવા જાય તે પૂર્વે ઝડપાઇ જતા પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


આરોપી તરીકે એક અજાણી મહિલા અને અજાણ્યાં પુરુષનું નામ

રાજકોટમાં ધંટેશ્વર ગામમાં રહેતાં લાભુભાઈ નરસંગભાઈ હુંબલ એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે એક અજાણી મહિલા અને અજાણ્યાં પુરુષનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ફરીયાદીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે,રાજકોટ જામનગર હાઈવે પર ગુજરાત ગેસ પંપની બાજુમાં રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ આવેલ છે.આ પાર્ટી પ્લોટ ખોડાભાઈ લાલજીભાઈ પટેલને ભાડે આપ્યો છે.જે પાર્ટી પ્લોટ ખાતે તેઓ બેસવા દરરોજ જાય છે. બે દિવસ પૂર્વે સવારના તેઓ ઘરે હતાં ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે,રીયલ પર્લ ફાર્મ ભાડે લગ્ન માટે જોઈએ છે જેથી સાંજના સમયે રૂબરૂ મળવા માટે સફેદ કલરની કાર લઈને એક પુરુષ અને તેની સાથે એક સ્ત્રી આવ્યા હતા.

ફાર્મમાં આવેલ રૂમ તેમજ પાર્ટી પ્લોટ દેખાડ્યો

પાર્ટી પ્લોટ ખાતે આવી લગ્ન માટે પ્લોટ ભાડે રાખવાની વાત કરી અને બાદમાં ફાર્મમાં આવેલ રૂમ તેમજ પાર્ટી પ્લોટ દેખાડ્યો હતો આ પછી ઓફીસમા ગયા હતા દરમ્યાન ઓફીસમા બેસી એકબીજા સાથે વાત-ચીત કરતા હતા તે દરમિયાન આવેલા શખ્સે અચાનક ઉભા થઈ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી અને છરી બતાવી મોઢા આડો હાથ રાખી મુંગો દઈ રાખેલ અને તેની સાથે આવેલ મહિલાએ વૃદ્ધએ ગળામા પહેરેલ ચાર તોલાની રૂ.4 લાખની સોનાના પારાવાળી માળા ગળામાંથી બળજબરી પુર્વક ખેંચી લુંટ કરી બન્ને નાશી ગયા હતાં.

આરોપી શીતલ પાર્ક ચોક નજીક હોવાની ચોક્કસ બાતમી મળી

બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઇ એસ.આર.મેઘાણી અને PSI મહેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી જેમાં નંબર પ્લેટ વગરની બ્રેઝા કાર હોવાનું જાણવા મળ્યું હતું અને જે નંબર પરથી ફોન આવ્યો તે નંબરનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું જો કે તે મળી રહ્યું ન હતું કારણ કે આરોપીઓએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ પછી ટેક્નિકલ સોર્સીસ અને હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા તપાસ તજવીજ હાથ ધરી હતી. દરમિયાન ગઈકાલે આરોપી શીતલ પાર્ક ચોક નજીક હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી.

મોબાઈલ ફોન મળી કુલ 12.50 લાખનો મુદામાલ કબ્જે કરાયો

પોલીસે શીતલ પાર્ક ચોક નજીક બ્રેઝા કાર અટકાવી તલાસી લેતા તેમાંથી ચાર લોકો મળી આવ્યા હતા જેમાં બે મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે જેના નામ પૂછતાં આરોપીઓએ પોતાના નામ રાહુલ ચૌહાણ, સાહિલ વાઘેલા, સેનીલા ઉર્ફે હેતલ ઠેબા અને ચાંદની ઉર્ફે ચાર્મી પરમાર જણાવ્યું હતું જેની પાસેથી પોલીસે લૂંટમાં વપરાયેલ બ્રેઝા કાર, સોનાની માળા તેમજ અલગ અલગ મોબાઈલ ફોન મળી કુલ 12.50 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સાહિલ વાઘેલા દોઢ માસ પૂર્વે પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમાં ગયો હતો

પોલીસ તપાસમાં આરોપીઓ પૈકી એક આરોપી સાહિલ વાઘેલા અગાઉ દોઢ માસ પૂર્વે પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમાં ગયો હતો ત્યારે રેકી કરી હતી અને વૃદ્ધ ઓફિસ એકલા બેસતા હોવાનું તેમજ સોનાના દાગીના પહેરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ પછી મિત્ર સાથે મળી લૂંટ કરવા પ્લાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પકડાયેલ આરોપીઓ રાજકોટના જામનગર રોડ પર મનહરપુર વિસ્તારમાં રૂમ ભાડેથી રાખી ને રહેતા હોવાનું સામે આવ્યું છે. લૂંટની ઘટનાને અંજામ આપી આરોપીઓ પ્રથમ ચોટીલા સુધી નાસી છૂટ્યા હતા તેમજ ત્યાંથી પરત રાજકોટ તરફ આવી સોની બજારમાં પહોંચ્યા હતા જો કે રાત્રિનો સમય હોવાથી તેઓ મુદામાલ વેચી શક્યા ન હતા અને બીજા દિવસે ફરી મુદામાલ વેંચી તેનો નિકાલ કરવા નીકળ્યા હતા પરંતુ એ પહેલા પોલીસના હાથે ઝડપાઇ જતા હવે આરોપીઓએ જેલના સળિયા પાછળ ધકેલવાનો વારો આવ્યો છે.

આ કેસમાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ તેજ

આ કેસમાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તેમજ આરોપીઓ દ્વારા અન્ય કોઈ લૂંટ ચોરી કે હનીટ્રેપ જેવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે જેથી કોઈ ભોગ બનનાર હોય તો તેઓને પોલીસનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી સાહિલ વાઘેલા વિરુધ્ધ અગાઉ રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ અને ગોંડલમાં જુગાર તેમજ પ્રોહીબીશનના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


  • Follow us on: