રાજકોટમાં પોલીસકર્મીઓના પ્રેમ પ્રકરણમાં મારામારી થઈ હોવાની વાત સામે આવી છે અને તેના સીસીટીવી પણ વાયરલ થયા છે, જીત પાઠક નામનો પોલીસકર્મી મહિલા પોલીસકર્મી યુવતીને છેલ્લા 7 દિવસથી ભગાડી ગયો છે જેના કારણે રાજકોટ શહેરમાં ચર્ચાએ જોર પકડયું છે, ગોંડલના PSI ધામેલીયાએ જીતની શોધખોળ શરૂ કરી છે અને જીતના મિત્ર જયના ઘરે PSI સહિતનો સ્ટાફ પહોંચ્યો છે.
જીત ક્યાં છે તેમ કહી જય રંગાણી સાથે માથાકૂટ કરી
સમગ્ર ઘટનામાં એક પીએસઆઈ આ બાબતે અંગત રસ દાખવી રહ્યાં છે, યુવતીના ભાઈ PSI હોવાથી તેણે ગોંડલ નોકરી કરતા તેના બેચમેટ PSI ધામેલીયાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી અને ગોંડલથી પીએસઆઇ ધામેલીયા, LRD આશિષ ગઢવી તેમજ રાજકોટના યોગી તેમજ નંદન નામના વ્યક્તિઓએ યુવતીને ભગાડી જનાર પોલીસકર્મી જીત પાઠકની શોધખોળ શરૂ કરી છે અને માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જય રંગાણી, યુવતીને ભગાડી જનાર કોન્સ્ટેબલ જીત પાઠકનો મિત્ર હોવાથી તેની ઘરે યુવતી તરફે પીએસઆઇ ધામેલીયા સહિતનાઓ પહોંચ્યા હતા.
કાયદાના રક્ષકોએ જ ભાન ભૂલીને પોલીસ કર્મી પર જ કર્યો હિચકારો હુમલો
જ્યારે કોઈ પ્રેમી પંખીડાઓ ઉડી જતા હોય છે ત્યાર સામાન્ય જનતા પોલીસ પાસે મદદ માટે જતી હોય છે. અથવા તો કોઇ મારકૂટ થઈ હોય તો પોલીસમાં ફરિયાદ કરવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં ભાગનાર પણ પોલીસ, શોધનાર પણ પોલીસ, મારકૂટ કરનાર પણ પોલીસ અને આખરે માર ખાનાર પણ પોલીસ જ હોય તો હવે આ તમામ વિરુધ્ધ કોઇ કાર્યવાહી થશે કે કેમ તે જનતામાં સવાલ થઇ રહ્યો છે. આ અંગે રાજકોટના જમાદારે પોલીસ ફરિયાદ કરવાની ના પાડી સમાધાન કરી લીધુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. તો બીજી તરફ હજુ પણ પોલીસ પ્રેમી પંખીડાઓ ગાયબ હોય તો તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.