સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેર હાલમાં ગુનાખોરીના વધતા ગ્રાફને કારણે ચર્ચામાં છે. ખાસ કરીને દિવાળીનો પવિત્ર પર્વ રાજકોટ માટે લોહિયાળ સાબિત થઈ રહ્યો છે. શહેરના જામનગર રોડ પર આવેલા CFL ક્વાર્ટર વિસ્તારમાં એક 30 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવાનનું નામ કમલભાઈ બિપીનભાઈ મૂળિયા છે. જેની છરી વડે ઘાતકી હત્યા કરવામાં આવી છે.
જામનગર રોડ પરના CFL કવાર્ટરમાં બની ઘટના
આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. આ હત્યાનો બનાવ ત્યારે સામે આવ્યો છે. જ્યારે સમગ્ર રાજકોટ શહેર માત્ર 15 કલાકના ટૂંકા ગાળામાં ચાર-ચાર હત્યાના બનાવોથી ધ્રુજી ઉઠ્યું છે. એક પછી એક હત્યાના બનાવોને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના લીરેલીરા ઉડી ગયા છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.













