નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 15 વર્ષના એક સગીરે આતંક મચાવ્યો છે. નવાગામમાં રહેતા શરદભાઈ પાટીલના 10 વર્ષના પુત્ર પર ગત 15મી તારીખે શાળાએથી પરત ફરતી વખતે મોતી એસ્ટેટ-1, પટેલ ફળિયા નજીક ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટના બાદ બાળકની માતાએ તાત્કાલિક હુમલાખોર કિશોરના પરિવારને ફરિયાદ કરી હતી, પરંતુ આ ફરિયાદનો જવાબ હુમલાખોર કિશોરે ધમકી આપીને આપ્યો. આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.


બાળકના માતાને ધમકી આપી

હુમલા બાદ બીજા દિવસે 15 વર્ષના કિશોરે બાળક પર હુમલો કરવાની ફરિયાદ કરનાર બાળકનાં માતાને પણ ધમકી આપી હતી. ત્રીજા દિવસે, જ્યારે બાળકનાં પિતા શરદભાઈ પાટીલ આ ઘટનાના CCTV ફૂટેજ જોવા માટે ઘટનાસ્થળે ગયા, ત્યારે હુમલાખોર સગીરે તેમના પર પણ ચપ્પુ વડે હુમલો કરી દીધો. આ હુમલા દરમિયાન સગીરે અન્ય એક બાળક પર પણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે કિશોરની હિંમત અને બદલાની ભાવના સ્પષ્ટ થાય છે.

ડીંડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો મામલો

આ સનસનીખેજ ઘટનાને પગલે પાટીલ પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચીને સગીર હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સગીર વયના હુમલાખોર દ્વારા ઉપરા-ઉપરી હુમલા અને ધમકીના પગલે વિસ્તારના અન્ય વાલીઓમાં પણ પોતાના બાળકોની સુરક્ષાને લઈ ચિંતા ફેલાઈ છે અને પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.


  • Follow us on: