ડુમસ દરિયા કિનારોએ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર છે.જેને વધુ આકર્ષક બનાવવા માટે કામ થઈ રહ્યું છે.સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડુમસ સી ફેસ ફેઝ 1 અને 2ની મોટાભાગની કામગીરી પૂર્ણ થવા આવી છે. તેના પગલે આગામી 15 ડિસેમ્બરના રોજ ડુમસ સી ફેસનું લોકાર્પણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતા મહિને સુરતીઓને ડુમસ બીચ પર સાયકલ ટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે.
સુરતવાસીઓએ હવે ગોવા જવાની જરૂર નહીં પડે
સુરત શહેરને ઇન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ મળે તે માટેના પ્રયાસો રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા કરવામાં આવી રહ્યા છે. મુંબઈ જુહુ બીચ મરીન ડ્રાઈવ હંમેશાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સુરતમાં પણ ડુમસ બીચ છે પરંતુ અહીં કોઈ આકર્ષણનું કેન્દ્ર નથી અહીં આવનાર લોકોની સંખ્યા પણ સારી હોય છે પરંતુ લોકોને કંઈક સુવિધા મળતી નથી. પરંતુ હવે સુરત શહેર અને બહારથી આવતા લોકોને મુંબઈ અને ગોવાના બીચ જેવો અનુભવો થાય આ માટે ખાસ ડુમસ બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેવલપમેન્ટ માટે ફોકસ કરી રહી છે.
ડુમ્મસ સી ફેસના ડેવલોપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી
સુરત શહેરમાં ડુમ્મસ સી ફેસના ડેવલોપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કુલ ચાર ઝોનમાં ઝોન-1 – અર્બન ઝોન, ઝોન-2 – પબ્લિક સ્પેસ-ઈકો ઝોન, ઝોન-3 – ફોરેસ્ટ-ઇકો ટૂરિઝમ અને વેલનેસ ફેસિલિટી, ઝોન-4 – ડુમસ પોર્ટ અને જેટીનો પુનર્વિકાસ તથા યાટ ઝોન. ઝોન-1 અર્બન ઝોનમાં પેકેજ-1 અને પેકેજ-2 મળી કુલ 22.86 હેક્ટર અનામત ખંડ નં.આર-64 પૈકી અને બિનનંબરી જમીન ખાતે પ્રોજેક્ટ ડેવલપ કરવા મંજૂરી હતી, જેમાં પણ પ્રાથમિક તબક્કામાં પેકેજ-1 એટલે કે 12.32 હેક્ટરમાં પ્રોજેક્ટ ડેવલપ કરાશે.
વિવિધ પ્રકારના 9 સ્કલ્પચર્સ પણ હશે
પ્રોજેક્ટના ફેઝ-1માં બે મલ્ટીલેવલ કાર પાર્કિંગ બિલ્ડિંગ હશે જેમાં કાર-ટુ વ્હીલરનું પાર્કિંગ થઈ શકશે. 7000 સ્ક્વેર મીટરનો બાળકોનો પ્લે એરિયા, 1 કિલોમીટર લાંબો સાઈકલ ટ્રેક અને એક કિલોમીટર લાંબો વોકવે હશે. વિવિધ પ્રકારના 9 સ્કલ્પચર્સ પણ હશે. અર્બન બીચ પણ હશે. આ ઉપરાંત ખાણીપીણીના શોખીન સુરતી લોકો માટે 25 જેટલા સ્ટોલ ઊભા કરવાનું પણ આયોજન છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની દરિયા ગણેશ મંદિરથી શરૂઆત કરવામાં આવશે.
ઈકો ટૂરિઝમ પાર્ક તબક્કાવાર રીતે ડેવલપ કરાશે
ડુમસ બીચ પર મલ્ટી લેવલ પાર્કિંગ, સેન્ટ્રલ એક્સેસ, બીચ વોલીબોલ કોર્ટ, મલ્ટી પર્પઝ ગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ, કોન્વિવિયલ પેવલિયન, બાઈસિકલ રેન્ટલ શોપ, કિડ્સ પ્લે એરિયા, બાસ્કેટબોલ કોર્ટ, અર્બન બીચ, વોક વે, ઇવેન્ટ એરિયા, પ્લાઝા એરિયા સહિતની સુવિધાઓ એક જ જગ્યાએ લોકોને મળી રહેશે. આ પ્રોજેક્ટ 4 ઝોનમાં છે, જેનું તબક્કાવાર આયોજન કરાશે, જે આ સી-ફેસ પ્રોજેક્ટ 78.99 હેક્ટર સરકારી જમીન તથા ફોરેસ્ટની 23.07 હેક્ટર મળી કુલ 102.06 હેક્ટર ઉપરાંત દરિયા કિનારાની 45.93 હેક્ટર સરકાર હસ્તકની બિનનંબરી જમીન છે. આ જમીન પર સૂચિત ઈકો ટૂરિઝમ પાર્ક તબક્કાવાર રીતે ડેવલપ કરાશે.
ડુમસ એટલે સુરતનું એકમાત્ર હરવા-ફરવાનું સ્થળ
સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, ડુમસ એટલે સુરતનું એકમાત્ર હરવા-ફરવાનું સ્થળ. લગભગ દર શનિ-રવિએ શહેરીજનો ડુમસની મુલાકાત લેતા હોય છે. જેને કારણે સુરત મહાનગરના ભાજપ શાસકોએ ડુમસને વિકસાવવાનો નિર્ણય કરેલો હતો. અંદાજે 175 કરોડના ખર્ચે ડુમસના પેકેજ-1 અને પેકેજ-2 નું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જે અંતિમ તબક્કામાં છે. અમારી ગણતરી છે કે 15 ડિસેમ્બરની આસપાસ ડુમસનું પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવામાં આવે.