સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકના અપહરણ અને હત્યાના ચકચારી ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. વિકાસકુમાર બિશુનદયાળ શાહ નામના આરોપીને મુંબઈમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે દુર્ગા દેવી દીકરાનું અપહરણ કૃષ્ણાનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગણેશપુરા ખાતેથી આરોપી વિકાસકુમાર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા બાળક અને અપહરણકર્તાને શોધવા માટે વિવિધ ટીમો બનાવવા આવી હતી. આ ટીમોએ સુરત શહેરના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને કાર્યવાહી શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી બાળકને ટ્રેનમાં બેસાડીને મુંબઈ તરફ લઈ ગયો હતો. આ દરમિયાન મુંબઇના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ટ્રેનના ટોયલેટમાંથી એક બાળકની લાશ મળી આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટ્રેનની મુલાકાત લીધી રેકોર્ડ્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આરોપીને શોધવાનું ચાલુ રાખ્યું હતું.
બાળકના અપહરણ અને હત્યા કેસ
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસના સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીનું લોકેશન મુંબઈના કુર્લા, બાંદ્રા અને દાદર તરફનું હોવાનું જાણવા મળ્યું હતું. આ વિસ્તારોમાં આરોપીને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ દિવસ સુધી સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા મળેલી માહિતીના આધારે, પોલીસને જાણવા મળ્યું કે આરોપી બીકેસી (BKC) વિસ્તારમાં છે. પોલીસે અલગ અલગ મોપેડ ભાડે કરીને બસ સ્ટેશન પાસેના ભીડવાળા અને મજૂરવર્ગની મોટી હાજરીવાળા વિસ્તારમાં શોધખોળ ચાલુ રાખી હતી. પોલીસની ભનક લાગતા આરોપી ભાગી છૂટ્યો હતો, પરંતુ 1 કિલોમીટર સુધી પીછો કરીને પોલીસે તેને દબોચી લીધો.
આરોપી મુંબઈથી ઝડપાયો
પૂછપરછ દરમિયાન વિકાસે કબૂલ્યું કે તેણે તેના માસીના ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી હતી. તે અગાઉ સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત જેવા દેશોમાં મજૂરીકામ કરતો હતો. એપ્રિલ 2025માં તે સાઉદી અરેબીયાથી પોતાના વતન બિહાર પાછો આવ્યો હતો અને બેકાર હતો. લગભગ પંદર દિવસ પહેલાં તે પોતાની માતા સાથે સુરતમાં તેના માસીના ઘરે કામ શોધવા આવ્યો હતો. વિકાસના કહેવા મુજબ તેના માસી તેને વારંવાર કામધંધો કરવા માટે મહેણાં મારતા હતા અને જો તે કામ ન કરે તો બીજે ક્યાંક ભાડેથી રહેવા જવાની સલાહ આપતા હતા. આ વાત તેના મનમાં લાગી આવતા તેણે તેના માસીના પુત્રનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હોવાનું જણાવ્યું છે. તેણે બાળકને ટ્રેનમાં લઈ જઈને ગળા પર બ્લેડ મારીને હત્યા કરી અને પછી ફરાર થઈ ગયો. તે ઘરેથી ભાગ્યો ત્યારે માસીનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો. હાલ પોલીસે બિહારના રહેવાસી વિકાસકુમાર બિશુનદયાળ શાહની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.