બારડોલી તાલુકાના વાઘેચા ગામે બની બેઠેલા ભુવાએ ગંભીર રોગ દૂર કરવાના નામે દુષ્કર્મ આચરી એક સગીરાને ગર્ભવતી બનાવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલો બારડોલી પોલીસમાં જતા બારડોલી પોલીસે ઠગ ભુવો તેમજ તેની મદદગારી કરનાર પાડોશી મહિલાને અટકાયત કરી હતી.


ઘટના સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સામે આવી

આજના આધુનિક યુગમાં પણ વહેમ અને અંધશ્રદ્ધા આજે પણ યથાવત રહી છે અને આવી અંધશ્રદ્ધાની આડમાં કેટલાક બની બેઠેલા ઠગ ભગતો તેમજ ભુવાઓ માસુમોનો લાભ લેવાનું ચુકતા નથી. આવી જ એક ઘટના સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સામે આવી છે. જ્યાં બારડોલી તાલુકાના વાઘેચા ગામે રહેતી પીના હળપતિ નામની મહિલાને હાજરી આવતી હતી. જે હાજરી ઉતારવા એક ભુવા પાસે જતી, વાઘેચા સ્મશાન ભૂમિ નજીક રહેતા આ ભુવાનું નામ મોહન મંગુભાઈ હળપતિ છે. જે મેલડી માતાના મંદિરે બેસી ધાગા પીંછી નાખતો જેની પાસે જતી હતી. સાથે પાડોશમાં રહેતી એક 15 વર્ષીય સગીરાને પણ સાથે લઈ જતી હતી.

બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો

પાડોશી મહિલાએ આ સગીરાની ભુવા સાથે ઓળખાણ કરાવી હતી અને ઓળખાણ કરાવતા જ ભુવો મોહન હળપતિની સગીરા પર દાનત બગડી હતી. મહિલાએ 15 વર્ષીય સગીરાને જણાવ્યું કે આ ભુવા ભગત મોહન સાથે સંબંધ બાંધશે તો તારા શરીરના તમામ રોગો દૂર થઈ જશે. બાદમાં પાંચ મહિના પહેલા આ ભુવો અવાર નવાર સગીરાને સ્મશાન નજીક આવેલી આંબાવાડીમાં લઈ જઈ બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો અને તેને ધાક ધમકી આપતો હતો. દુષ્કર્મ આચારવાના કારણે સગીરા ગર્ભવતી થતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પોકસો એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ

સગીરા ગર્ભવતી થતા સગીરાની માતાએ પરિવારને જાણ કરી હતી અને બારડોલી ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસ પણ ત્વરિત હરકતમાં આવી અને લંપટ ભુવો મોહન ઉર્ફે મહેશ મંગો હળપતિ અને પાડોશી પીનાબેન ભીખાભાઈ હળપતિ વિરૂદ્ધ પોકસો એક્ટ તેમજ વિવિધ પ્રકારની કાયદાકીય કલમો લગાવી ગુનો દાખલ કરાયો હતો. ગણતરીના કલાકોમાં જ ભુવો મોહન હળપતિ તેમજ મદદગારી કરનાર પાડોશી મહિલા પીના હળપતિની પોલીસે ધરપકડ પણ કરી લીધી હતી.


  • Follow us on: